Get The App

સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
સેક્ટર-૨૪માં આવેલા આદર્શ નગરમાં ગેરકાયદે ઓરડીઓ પર બુલડોઝર ફેરવાયુ 1 - image

હાઉસિંગ બોર્ડની મોટી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ

ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી દેવાતા સ્થાનિકોના વિરોધને પગલે મ્યુનિ. કોર્પોરેશનની મદદથી કાર્યવાહી

ગાંધીનગર :  સ્થાનિક રહેવાસીઓના લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ ગાંધીનગરના સેક્ટર-૨૪ સ્થિત આદર્શ નગરમાં આજે હાઉસિંગ બોર્ડ દ્વારા એક મોટું દબાણ હટાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઓરડાઓ અને પાકા બાંધકામને મ્યુનિસિપલ કોર્પોેરેશનની મદદથી મશીનરી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

સેક્ટર ૨૪ ના આદર્શ નગરમાં આવેલો પ્લોટ નંબર ૭૧૩ છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. મૂળભૂત રીતે આ પ્લોટ પર એક હોસ્ટેલ ચાલતી હતી, જેનો સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે સત્તાધીશો દ્વારા હોસ્ટેલની પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી હતી. જોકે, હોસ્ટેલ બંધ થયા બાદ પણ પ્લોટના માલિકો કે સંચાલકો દ્વારા અન્ય એક ગેરકાયદે પ્રવૃત્તિ શરૃ કરવામાં આવી હતી. હોસ્ટેલ બંધ થયા બાદ અહીં ઉપરના માળ પર ગેરકાયદેસર રીતે અને નિયમોનું ઉલ્લંઘન કરીને પાકા ઓરડાઓનું બાંધકામ કરી દેવાયું હતું. આ ગેરકાયદેસર બાંધકામને આવાસ તરીકે ભાડે આપવાની પ્રવૃત્તિ શરૃ કરવામાં આવી હતી. જેનાં કારણે વિસ્તારમાં વસ્તીનું ભારણ વધ્યું હતું, તેમજ સુરક્ષા અને સુવિધાને લગતા પ્રશ્નો પણ ઉભા થયા હતા. સ્થાનિકોએ આ ગેરકાયદેસર ભાડા પ્રવૃત્તિ અને અનધિકૃત બાંધકામ અંગે હાઉસિંગ બોર્ડમાં વારંવાર અને અસરકારક રજૂઆતો કરી હતી. સ્થાનિકોની રજૂઆતોને ગંભીરતાથી લેતા, હાઉસિંગ બોર્ડ દ્વારા પ્લોટ નંબર ૭૧૩ના માલિકોને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી. જોકે, નોટિસ છતાં દબાણ દૂર ન થતાં બોર્ડે આજે આખરી પગલું લેવાનું નક્કી કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની મદદ લેવામાં આવી હતી અને ભારે મશીનરીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા પાકા ઓરડાઓ અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.