ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન
બુટલેગર સહિત ત્રણ માથાભારે શખ્સોએ સરકારી જમીન પર ખડકેલા દીવાલ-પાર્કિંગ સહિતનાં બાંધકામો જમીનદોસ્ત કરીને કાર્યવાહી
ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જતાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ગૂંડાતત્વોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેથી હવે અમરેલીમાં ફરીએક વાર ગુંડાતત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ૧૧૩ જેટલા તોફાની તત્વોની યાદી બનાવ્યા બાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમરેલીમાં ત્રણ અસમાજિક તત્વોના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
અમરેલી શહેરમાં પોલીસ અને તંત્રએ સાથે મળીને આજે મંગળવારે વહેલી સવારથી પોલીસના કાફલા વચ્ચે પુના રામભાઈ જાગરવા (રહે. કુંકાવાવ રોડ, સોમનાથ મંદિર પાસે), ધર્મેશ મનુભાઈ વાળા (રહે. રીકડીયાપરા) અને જીતુ લખુભાઈ ખાખડીયા (રહે. રીકડીયાપરા)ના રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં ગેરકાયદે બનાવેલા દીવાલ અને પાર્કિંગ પણ તોડી નાંખવામાં આવ્યા હતા. દીવાલ અને પાકિંગ પણ તોડી નાંખવામાં આવ્યા હતાં. થોડા સમયના વિરામ બાદ ગુંડાતત્વોએ ગેરકાયદે કરેલા દબાણો તોડવા માટેની શરૂઆત કરી દેવાઈ છે. આ કાર્યવાહીથી ગૂંડાતત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહીમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શનમાં ૧ પીઆઈ, ૩ પીએસઆઈ અને ૧રપ પોલીસ કર્મચારીએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
સૌથી વધુ ગુના બુટલેગર ધમેન્દ્ર વાળા સામે દાખલ
અમરેલી શહેરમાં બુટલેગર તરીકે કુખ્યાત ધમેન્દ્ર વાળા સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૯, સીટી પોલીસ સ્ટેશનમાં બે અને ખાંભા, ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. જયારે પુના ભરવાડ સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ૬ ગૂના, અને જીતુ લખુભાઈ ખાખડીયા સામે અમરેલી તાલુકા અને સીટી પોલીસમાં ર-ર અને લીલીયા પોલીસ સ્ટેશનમાં એક ગૂનો નોંધાયો હતો.


