Gujarat

જેતપુરમાં નગરપાલિકા પૂર્વ સદસ્યા સહિત 2 મહિલાના મકાનો પર બુલડોઝર ફર્યું

By GS TEAM
1 Jul 20251 min read
જેતપુરમાં નગરપાલિકા પૂર્વ સદસ્યા સહિત 2 મહિલાના મકાનો પર બુલડોઝર ફર્યું

જુદા-જુદા 10 ગુનામાં સામેલ પૂર્વ સદસ્યા જિલ્લામાંથી હદપાર : અન્ય એક મહિલા સામે 36 ગુનાઓ : બન્નેએ સરકારી જમીન પર બંગલા ખડકી  દીધા હતા તે તોડી પડાયા

જેતપુર, : જેતપુરમાં અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલી બે મહિલાઓએ સરકારી જમીનમાં ગેરકાયદે ખડકી દીધેલી મિલ્કતોને વહીવટી તંત્રે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરી ધરાશાયી કરી દેતા અસામાજિક શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં અગાઉ બે ટર્મ સુધી કાઉન્સિલર (સદસ્યા) તરીકે ફરજ બજાવી ચૂકેલી સામાકાંઠા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી શારાદબેન હમીરભાઈ વેગડા સામે જેતપુર પોલીસ મથકમાં જુદા જુદા 10 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત નરસંગ ટેકરી ભાદરના સામાકાંઠે રહેતી રેખાબેન લલીતભાઈ વેગડા જેતપુર-વંથલી-તાલાળા પોલીસ મથકમા સમયાંતરે જુદા જુદા 36 ગુનાઓ નોંધાયા હતા. આ પૈકી શારદાબેનને રાજકોટ જિલ્લામાંથી હદપાર કરેલા છે.

તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે આ બન્ને મહિલાઓએ સરકારની માલિકીની જમીનમાં મિલકતો ખડકી દીધી છે. આથી તેઓને જમીનમાલિકીના આધાર પુરાવા, મકાનના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપી હતી. જેનો પ્રત્યુતર ન મળતા આખરે વહીવટી તંત્રે પૂર્વ કાઉન્સિલર શારદાબેન વેગડાના બંગલા-ગોડાઉન સહિતની મિલ્કતાનું ડિમોલીશન કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી બુલડોઝર ફેરવી દઇ તોડી પાડયા હતાં. આવી જ રીતે રેખાબેન વેગડાના અનાધિકૃત ગેરકાયદે બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવી દીધું હતું.