વડોદરામાં માથાભારે બુટલેગરના મકાનના પર બુલડોઝર ફરી વળ્યું : ગેરકાયદે ઓટલા-શેડનો સફાયો
Vadodara : રાજ્ય સરકારના આદેશથી બુટલેગરો, માથાભારે તત્વોના તૈયાર કરાવેલા લિસ્ટના આધારે શહેર પોલીસે સક્રિય કામગીરી શરૂ કરી છે ત્યારે ઓલ્ડ પાદરા રોડ પર સંતોષ નગરમાં બુટલેગરના મકાનનો ઓટલો અને શેડ પર પાલિકા તંત્રની દબાણ શાખાએ બુલડોઝર ફેરવી દેતા સ્થાનિકોમાં ખુશી વ્યાપી હતી. દબાણ શાખાની ચાલી રહેલી કામગીરી જોવા સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડતા સ્થાનિક પોલીસે કુનેહ પૂર્વક મામલો સંભાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સહિત બુટલેગરો અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશથી પાલિકાની દબાણ શાખાની ટીમે બુલડોઝર અને ટ્રકો સહિત ટીમ સાથે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ સંતોષ નગરમાં બપોરના સુમારે પહોંચી ગયા હતા. બુલડોઝર સાથે આવેલી દબાણ શાખાની ટીમ જોઈને સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. જ્યારે બીજી બાજુ સંતોષ નગરમાં રહેતો બુટલેગર ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતો હોવાની પણ પોલીસને જાણ હતી. જોકે દબાણ શાખાની ટીમે સંતોષ નગર ખાતે પહોંચી નામચીન બુટલેગરના મકાનના ગેરકાયદે ઓટલા સહિત બનાવેલ શેડ પર બુલડોઝર ફેરવી દેવાતા એકત્ર થયેલા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. પાલિકાની કામગીરીને બિરદાવી લોકોએ ખુશાલી વ્યક્ત કરી હતી. જોકે દબાણ શાખાની ટીમ સંતોષ નગરમાં પહોંચતા જ સન્નાટો વ્યાપી ગયો હતો. સ્થાનિક પોલીસ કાફલા સાથે પાલિકાની દબાણની ટીમ સંયુક્તપણે પહોંચી હતી. જ્યાં દબાણ શાખાની ટીમે બુટલેગરના મકાનને ટાર્ગેટ કરીને તેના ગેરકાયદે ઓટલા સહિત શેડ તોડી પાડ્યા હતા. પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીને આસપાસના રહીશોએ બિરદાવી હતી.