ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
થાન ના જામવાળી ગામે વન વિભાગની જમીન પર દબાણ કર્યું હતું
નોટિસ પાઠવ્યા બાદ દબાણ દૂર નહીં કરતા ચોટીલા પ્રાંત અધિકારી, વન વિભાગની ટીમે ડીમોલીશન હાથ ધરી રૃા.૧૨ કરોડની ૧.૫ એકર જમીન ખુલ્લી કરી
સુરેન્દ્રનગર - ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના જામવાળી ગામની સરકારી વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરેલ હોટલ સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણ તોડી પાડવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને તેનો પુત્ર રાહુલભાઈ જગાભાઈ અલગોતર સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ જાગા મનુષ્ય વધના ગુનામાં ફરાર છે. વિઠ્ઠલ જાગાના ગેરકાયદે કાર્બોસેલના કૂવમાં યુવક ખાબતા તેનું મોત નિપજ્યું હતું. થાન તાલુકાના જામવાળી ગામમાં સરકારી વન વિભાગની અંદાજે ૬ હેકટરથી વધુ જમીનમાં જામવાળી ગામનો ખનીડમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને રાહુલભાઈ જગાભાઈ અલગોતર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી અંદાજે એક હેકટર જેટલી જમીનમાં કોમર્શિયલ હેતુ માટે ગોકુલ ગ્રાન્ટેઝ હોટલનું બાંધકામ કર્યું હતું. જે અંગે અગાઉ હોટલ ખાલી કરવા તથા પાડવા માટે વન વિભાગ દ્વારા નોટીસો પાઠવવામાં આવી હતી. તેમજ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પણ નોટીસ આપવામાં આવતા હોટલના માલીકોએ હાઈકોર્ટની મદદ લીધી હતી પરંતુ તેઓ સફળ થયા નહોતા. ત્યારબાદ ફરી વખત વન વિભાગ દ્વારા જમીન પરનું દબાણ તાત્કાલીક અસરથી દુર કરવા નોટીસ પાઠવી હતી છતાં પણ હોટલના માલીકો દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું નહોતું.
આથી ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચોટીલા સબ ડિવીઝન તથા વન વિભાગની ટીમને સાથે રાખી સંયુક્ત રીતે જેસીબીની મદદથી ગેરકાયદેસર ગોકુલ ગ્રાન્ટેઝ હોટલ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અંદાજે રૃા.૧૨ કરોડથી વધુ રકમની ગેરકાયદેસર દબાણવાળી વન વિભાગની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દુર થતાં ખુલ્લી થઈ છે જ્યારે ગેરકાયદેસર દબાણ કરનાર બે હોટલ માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ તમામ અનઅધિકૃત બાંધકામ વાળી હોટલમાં ખાણી પીણી સાથે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોેસેલનું ખનન અંગેની પ્રવૃતિમાં ચાલતી હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. હજુ ખનિજ માફિયા વિઠલ જાગા ફરાર છે તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તોડી પાડવામાં આવેલી ગેરકાયદેસર દબાણો
(૧) ગોકુલ ગ્રાન્ટેઝ હોટલ (૩૬૬ ચો.મીટર) (૨) લકઝરી બંગ્લોઝ (૧૫૦ ચો.મીટર) (૩) વિશાળ પાર્કિંગ (૩૫૦ ચો.મીટર) (૪) પંચરની દુકાનો (૧૫૦ ચો.મીટર) (૫) ટ્રક સર્વિસ સ્ટેશન (૬) હિંડોળા સાથેનો બગીચો (૩૫૦ ચો.મીટર) (૭) હોડીંગસ અને બેનર (૮) ઓરડીઓ અને (૯) અલગ-અલગ ૧૧ દુકાનો સહિતના ગેરકાયદેસર પાકા બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હતા.
મનુષ્ય વધના ગુનામાં વિઠ્ઠલ જાગા ફરાર
મુળીના ખાખરાળા ગામમાં કાર્બોસેલની ગેરકાયદે ૩૫ ફૂટ ઉંડી ખાણમાં ૨૧ વર્ષીય યુવક લોડર સાથે ખાબકતા મોત નિપજ્યું હતું. લોડરથી સેન્ડ સ્ટોન ભરતી વખતે કૂવામાં ખાબકતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બાદ તંત્ર અને ભૂમાફિયાઓની મીલીભગ સામે આળતા તાબડતોબ કાર્યવાહી શરૃ કરી વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર(ભરવાડ) અને તેના ચાપ પુત્ર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી તેનું સામ્રાજ્ય નષ્ટ કરવાનું શરૃ કરી દીધું છે.