ગુંડા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરની ગેરકાયદેસર બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવી દેવાયું
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગુનાહિત શખ્સો પર વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આજે (બુધવાર) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ સ્થાનિક પોલીસના સમર્થનથી નરોડાના મુઠીયા ગામમાં એક કુખ્યાત બુટલેગરની માલિકીની ગેરકાયદેસર ત્રણ માળની બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિલકત જયેશ ઉર્ફે જીગા સોલંકીની હતી, જે એક જાણીતો બુટલેગર હતો અને તેના વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 40 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હતા. સોલંકી પર સંગઠિત બુટલેગિંગ સિન્ડિકેટ ચલાવવાનો આરોપ છે અને તે હિંસક ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે, જેમાં પોલીસ કર્મચારીઓ પર અનેક હુમલાઓનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 111(3) હેઠળ સંગઠિત ગુના સામે સંકલિત કાર્યવાહીના ભાગ રૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. AMCની ડિમોલિશન ટુકડીએ ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં અનધિકૃત માળખાને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીગા સોલંકી, તેના સાથીઓ અનિલ ઉર્ફે કાલી અને પ્રદીપ ઉર્ફે પડીયો સાથે મળીને દારૂની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. જે ગુજરાતની બહારથી દારૂનો મોટો જથ્થો લાવતા હતા અને અમદાવાદમાં તેનો સપ્લાય કરતા હતા. અધિકારીઓને વિવિધ બેંક ખાતાઓમાં સિન્ડિકેટ સાથે જોડાયેલા રૂ. 1 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો પણ મળ્યા છે, જેના પગલે વધુ તપાસ માટે આવકવેરા વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો.
નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. વી. ગોહિલે જણાવ્યું હતું કે, 'આ કાર્યવાહી વિસ્તારમાં સંગઠિત ગુનાઓ સામેના અમારા સતત પ્રયાસોનો એક ભાગ છે. આરોપીઓ વારંવાર દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને પોલીસ ટીમો પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.'