અમરેલીના હિમખીમડીપરામાં મદરેસા પર બુલડોઝર ચાલ્યું, મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન
Amreli News: અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું હતું. મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. ત્યારે મંગળવારે (13મી મે) વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હિમખીમડીપરામાં આવેલી ગેરકાયદે મદરેસામાં પર બુલડોઝર ફેરવી દીધુ હતું.
સરકારી જમીન પર મદરેસા ઊભી કરાઈ હતી
મળતી માહિતી અનુસાર, હિમખડીપરામાં ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. જ્યા મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખ રહેતો હતો. આ મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરવામાં આવી હતી જે અગાઉ સરકારે લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવ્યા હતા. આ સરકારી જમીન પર ગેરકાયદે મદરેસા ઊભું કરી દેવાયું હતું. ત્યારે આજે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ડિમોલિશન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું હતું. મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે.