પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા
નિકોલમાં બનાવાયેલા અટલ એપાર્ટમેન્ટમાં સૌથી વધુ ૪૧૮ આવાસ ખાલી
અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025
અમદાવાદના વિવિધ વોર્ડમાં આર્થિક રીતે ઓછી આવક ધરાવતા લોકો
માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવાસો પૈકી ૫૫૩ ખાલી આવાસ લેવા
માંગતા લોકો પાસેથી અરજી મંગાવાઈ હતી. આ ૫૫૩ આવાસ મેળવવા ૧૨૩૦૦ લાકોએ ફોર્મ ભર્યા
છે. ખાલી પડેલા આવાસોમાં સૌથી વધુ નિકોલમાં બનાવાયેલા અટલ એપાર્ટમેન્ટમાં ૪૧૮ આવાસ
ખાલી છે.
શહેરના મધ્ય ઝોનમાં આવેલા અસારવા વોર્ડ ઉપરાંત રખિયાલ, ચાંદખેડા , થલતેજ તથા
વેજલપુર વોર્ડની સાથે ન્યૂ કલોથ માર્કેટ થી હીરાભાઈ માર્કેટ રોડ ઉપર લોઅર ઈન્કમ
ગુ્રપ માટે ફેઝ વન અંતર્ગત જે તે સમયે કુલ ૪૬૩૫ આવાસ બનાવાયા હતા. આ પૈકી ૫૫૩ આવાસ
ખાલી હોવાથી તેની ફાળવણી કરવા ૧૨ સપ્ટેમબર સુધીમાં અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ
હતી.૧૨૩૦૦ અરજીઓ આવાસ મેળવવા આવતા આવેલી અરજીઓની ચકાસણી કર્યા પછી લાભાર્થીઓને
આવાસની ફાળવણી કરાશે.ચાંદખેડા વોર્ડમાં કેશવ એપાર્ટમેન્ટમાં ૮૮ આવાસ ખાલી છે.હરીપુરા
રોડ ઉપર આવેલા માધવ એપાર્ટમેન્ટમાં ૨૫ આવાસ ખાલી છે.ખાલી પડેલા આવાસો પૈકી
મોટાભાગના આવાસ આઠ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા છે.