Gujarat

૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD

By GS TEAM
26 Mar 20261 min read
૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD

અમદાવાદ,ગુરુવાર,25 માર્ચ,2026

અમદાવાદમાં રુપિયા ૮૦૦ કરોડના ખર્ચે વર્ષ-૨૦૧૯માં એસ.વી.પી.હોસ્પિટલ શરુ કરાઈ હતી.હોસ્પિટલ તંત્રના દાવા મુજબ સાત  વર્ષમાં ૧૪.૫૩ લાખ દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર આપવામા આવી હતી.જયારે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા કોર્પોરેશન સંચાલિત  ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં  એક વર્ષમાં ૨૦ લાખથી વધુ દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર આપવામા આવી હતી.

આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાનુ એક લક્ષ્ય ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત  એસ.વી.પી.હોસ્પિટલ કરોડો રુપિયાનો ખર્ચ કર્યા પછી પણ શહેરીજનો જેમ વી.એસ.હોસ્પિટલમાં જાતે સારવાર લેવા માટે જતા હતા એ પ્રકારનુ આકર્ષણ જમાવી શકી નથી.આ પાછળના અનેક કારણોની વચ્ચે થોડા સમય પહેલા હોસ્પિટલમાં જુનિયર ડોકટરો સિવાય સિનિયર ડોકટર હાજર નહીં રહેતા હોવાનો વિવાદ પણ કારણભૂત છે.એક તરફ કોર્પોરેશનનુ વહીવટી તંત્ર હોય કે તાજેતરમાં જેમની ટર્મ પુરી થઈ ગઈ એવા ભાજપના સત્તાધીશો હોય. તમામ એસ.વી.પી.ની સેવાઓના ગુણગાન ગાવાની તક મુકતા નહતા.મ્યુનિસિપલ કોર્પોરેશનની અર્બન હેલ્થ સોસાયટી તરફથી જે સત્તાવાર આંકડા જાહેર કરવામા આવ્યા છે તેમાં વર્ષ-૨૦૨૫ના એક વર્ષ દરમિયાન ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં ૨૦.૬૦ લાખ દર્દીઓને સારવાર આપવામા આવી હતી.જેમાં ૧.૩૫ લાખ ફીવર એટલે કે તાવના તથા ૫૦ હજાર દર્દીઓને કફની સારવાર આપવામા આવી હતી.આ સિવાય અર્બન હેલ્થ સેન્ટરમાં વર્ષ-૨૦૨૪માં ૧૯.૫૬ લાખ, વર્ષ-૨૦૨૩માં ૨૦.૮૬ લાખ તથા વર્ષ-૨૦૨૨માં ૧૭.૩૮ લાખ તથા વર્ષ-૨૦૨૧માં ૧૩.૬૭ લાખ, વર્ષ-૨૦૨૦માં ૧૪.૪૯ લાખ તેમજ વર્ષ-૨૦૧૯માં ૧૬.૩૪ લાખ દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર આપવામા આવી હતી.