બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી
બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી હોવાની વિગતો બહાર આવતા સમા મામલતદાર કચેરીના નાયબ મામલતદારે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોત્રી રોડ અભિષેક ટેનામેન્ટમાં રહેતા મામલતદાર ઉત્તર ઝોન કચેરીના ઇન્ચાર્જ નાયબ મામલતદાર (વહીવટ) કે.જે. વસાવાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બિલ્ડર સ્વરાજ નરભેશંકર પાનેરી (રહે. આમ્રકુંજ સોસાયટી, ઇલોરા પાર્ક) દ્વારા એક અરજી સમા ગામના રે.સ.નંબર 37 તથા 45 વાળી ખેતીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે જમીન બિનખેતી કરવાનો હુકમ થયો હતો.આ અરજી સાથે સ્વરાજ પાનેરીએ મૂળ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા.જે અમરેલી તાલુકાના વાંકીયા ગામની જમીનના ઉતારા હતા. તેની ખરાઇ અમરેલી મામલતદાર પાસે કરાવતા તેઓએ સ્વરાજ પાનેરી ખેડૂત નહીં હોવાનું લેખિતમાં જણાવ્યું હતું. તેમજ એવી વિગત પણ જાણવા મળી હતી કે, સર્વે નંબર 376 વાળી જમીનનો પ્રથમ દસ્તાવેજ સ્વરાજ પાનેરીના પિતા નરભેશંકર નાનજીભાઇ પાનેરીએ તા. 29 -09 - 1954 ના રોજ કર્યો હતો. આ જમીન તેઓએ ઠાકરશી જાદવભાઇને તા. 28-04-1976 ના રોજ વેચાણ કરી હતી.