Get The App

ઉત્તરસંડાના બિલ્ડરની પાર્ટનરશીપમાં સોસાયટી બનાવવાનું કહી રૂા. 1.47 કરોડની ઠગાઈ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરસંડાના બિલ્ડરની પાર્ટનરશીપમાં સોસાયટી બનાવવાનું કહી રૂા. 1.47 કરોડની ઠગાઈ 1 - image


- વડોદરાના બિલ્ડરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

- પિતાના મિત્ર વડોદરાના બિલ્ડરને જમીન ડેવલપ કરવા પાર્ટનર બનાવ્યા બાદ અન્ય સાથે કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું

નડિયાદ : નડિયાદ તાલુકાના ઉત્તરસંડાના બિલ્ડરે પોતાના પિતાના મિત્ર વડોદરાના બિલ્ડરને પોતાની જમીન ડેવલપ કરવા પાર્ટનર બનાવ્યા હતા. બાદમાં ઉતરસંડાના બિલ્ડરે અન્ય વ્યક્તિ સાથે મળી કન્સ્ટ્રકશનનું કામ શરૂ કરી વડોદરાના બિલ્ડરને પ્રોજેક્ટ માટે કરેલા ખર્ચના રૂ.૧.૪૭ કરોડ ન ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા વાસણા રોડ ઉપર રહેતા ગોપાલભાઈ કરસનભાઈ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. ગોપાલભાઈ પટેલ આણંદ અભ્યાસ કરવા આવતા હતા આ દરમિયાન તેમની સાથે અભ્યાસ કરતા ઉતરસંડાના વિનુભાઈ પટેલ સાથે મિત્રતા હતી. જેથી તેઓ અવારનવાર ઉત્તરસંડા આવતા હોવાથી વિનુભાઈએ તેમના નાના ભાઈ અશોકભાઈ સાથે ઓળખાણ કરાવી હતી. જેથી અશોકભાઈ પટેલના દીકરા મેહુલ પટેલ બિલ્ડરનો ધંધો કરતો હોવાથી ગોપાલભાઈ પટેલને ઉતરસંડા સીમમાં આવેલ પોતાની વડીલો પાર્જીત જમીનમાં સ્કીમ પાડી પ્લોટમાં મકાનો બનાવી વેચવાના ધંધામાં સારો નફો થાય તેમ છે તેમ કહી વિશ્વાસમાં લઈ ગોપાલભાઈ પટેલ સાથે જમીન ડેવલપ કરવા વાતચીત કરી હતી.  આ જમીનમાં સોસાયટીનું નિર્માણ કરવા ૨૦૨૨માં જન્માષ્ટમીના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું અશોકવાટિકા નામ રાખી ટુ બીએચકે અને થ્રી બીએચકેના મકાનોના બે બે સેમ્પલ હાઉસ તેમજ એક ક્લબ હાઉસ બનાવવામાં આવ્યા હતા. જેનો તમામ ખર્ચ રૂ.૧,૫૦,૦૧,૦૮૨ ગોપાલભાઈ પટેલે કર્યો હતો. ત્યારબાદ તેઓ વડોદરાથી સમયાંતરે આવતા હતા. દરમિયાન મેહુલભાઈ પટેલ અન્ય વ્યક્તિ સાથે મળી બાંધકામનું કામ કરતા હતા. 

જેથી આ બાબતે વાત કરતા મેહુલભાઈએ આ જમીનમાં તેઓના પિતાનો ઉતરસંડા પીપલ્સ બેંકમાં બોજો બોલતો હોવાથી ઉતરસંડા પીપલ્સ બેંકનો નો-ડયુ સટફિકેટ આવ્યા બાદ સ્કીમનું કામ શરૂ કરવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ગોપાલભાઈ પટેલ ઉત્તરસંડા સાઈડ પર જતા મેહુલભાઈ પટેલે રૂપિયા ત્રણ લાખ ગોપાલભાઈને પરત આપ્યા હતા અને બાકીની રકમ થોડા સમયમાં આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જેથી ગોપાલભાઈ પટેલ ઉત્તરસંડા સાઈટ પર આવી બાકી પડતા પૈસાની માંગણી કરતા મેહુલભાઈ પટેલે પૈસા આપવાની ના પાડી સાઈટ પર આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧,૪૭,૦૦,૦૦૦ ના આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ગોપાલભાઈ કરસનભાઈ પટેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસે મેહુલભાઈ અશોકભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :