ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા
બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શનના ધંધામાં ૧૦ કરોડની લેવડ-દેવડ મામલે
રાયખડ નજીક છ રાઉન્ડ ફાયરીંગની ઘટનામાં બિલ્ડરને ત્રણ અને રાહદારીને બે ગોળી લાગી આરોપીએ ગેરકાયદે પિસ્તોલ સાબરમતી નદીમાં ફેંકી દીધી
અમદાવાદ,શનિવાર
શહેરના રાયખડ આઇપી મિશન હાઇસ્કૂલ પાસે શુક્રવારે રાતના ધંધાકીય અદાવતમાં એક ભાગીદારે આડેધડ છ રાઉન્ડ ફાયરીંગ કરતા બિલ્ડર અને અન્ય એક રાહદારીને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરીંગ કર્યા બાદ આરોપી બિલ્ડરે પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી.આ બનાવમાં બિલ્ડરને ત્રણ અને રાહદારીને બે ગોળી લાગી હતી. પ્રાથમિક તપાસમાં કારંજ પોલીસને જાણવા મળ્યું હતું. આરોપી અને ઇજા પામનાર વચ્ચે અગાઉ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય ચાલતો હતો. જેમાં ૧૦ કરોડ જેટલી રકમનો હિસાબ બાકી હોવાના મામલે આરોપીએ ફાયરીંગ કર્યું હતું. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે રાયખડ શીફા એપાર્ટમેન્ટમાં રહેતા નાસીરખાન પઠાણ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. થોડા વર્ષ અગાઉ તે ઝહુરૂદ્દીન નાગોરી નામના વ્યક્તિ બિલ્ડર સાથે ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. જેમાં વર્ષ ૨૦૨૧ સુધીમાં તેમણે ચાર સ્કીમનું બાંધકામ કર્યું હતું.
પરંતુ, ઝહુરૂદ્દીન નાગોરીએ ૧૦ કરોડ જેટલી નફાની રકમ નાસીરખાનને આપી નહોતી. જેથી બંને વચ્ચે ધંધાકીય તકરાર બાદ ભાગીદારી છુટી થઇ હતી. ત્યારબાદ નાસીરભાઇ ઝહુરૂદ્દીન પાસેથી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ, તે નાણાં આપતો નહોતો. શુક્રવારે રાતના ૧૧ વાગે નાસીરખાન તેમના નિત્યક્રમ મુજબ રાયખડ આઇપી મિશન સ્કૂલ પાસે મિત્રોને મળવા માટે ગયા હતા. આ સમયે ઝહુરદ્દીન ત્યાંથી સ્કૂટર લઇને પસાર થતા નાસીરખાને તેની પાસે નાણાંની માંગણી કરી હતી.પરંતુ, ઝહુરદ્દીને નાણાં આપવાની ના કહીને તેની પાસે રહેલી પિસ્તોલ કાઢીને નાસીરખાન તરફ તાંકીને આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેના કારણે નાસભાગ થઇ ગઇ હતી.
જેમાં નાસીરખાનને ત્રણ ગોળી વાગી હતી અને આ સમયે પસાર થઇ રહેલા ઉજેફ કાગડી નામના રાહદારીને બે ગોળી વાગી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઝહુરૂદ્દીનને પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે નાસી ગયો હતો અને આ સમયે કેટલાક લોકોએ પીછો કરતા તે નદીમાં પિસ્તોલ ફેંકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ડીસીપી ઝોન-૨ ભરત રાઠોડે જણાવ્યું કે આરોપી પાસે રહેલી પિસ્તોલ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે. હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલ નાસીરખાન અને રાહદારી ઉજેબ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.