Gujarat

વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત

By GS TEAM
16 Feb 20262 mins read
વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયચતની આજે મળેલી બજેટ બેઠકમાં હરણીની પંચાયતની જમીનના દબાણના મુદ્દે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત થયા બાદ ડીડીઓએ મામલતદાર દ્વારા કાર્યવાહી શરૃ કરવામાં આવી હોવાનું કહ્યું હતું.

વડોદરા જિલ્લા પંચાયતની હરણી રોડ પરની અંદાજે ૧૦ કરોડથી વધુ કિંમતની ૨૫ હજાર ફૂટથી વધુ જમીન  રેઢી પડી રહી છે અને ખાનગી વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના મુદ્દે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતે ઉપરોક્ત જમીન સહિત ૭ મિલકતોને ફેન્સિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પરંતુ તેમાંથી ૪ જમીનને ફેન્સિંગ કરી છે અને હરણીની જમીનને બાકી રાખવામાં આવી છે.જેથી આજે વિપક્ષી નેતા અને સભ્યોએ આ મુદ્દે રજૂઆત કરતાં ડીડીઓએ કાર્યવાહી માટે આશ્વાસન આપ્યું હતું.

આ દરમિયાન રૃ.૩૯ કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં ડીડીઓને પણ ગ્રાન્ટમાંથી ૧કરોડની ફાળવણી કરવામાં આવી  છે.જેથી વિપક્ષી નેતાએ ૧ નહિ પણ ૨ કરોડ ગ્રાન્ટ આપવા માટે રજૂઆત કરી હતી.જેથી કોઇ પણ ગામમાં ડીડીઓ જાય અને વિકાસના કામની રજૂઆત થાય તો તેઓ ગ્રાન્ટમાંથી કામ કરાવી શકે.

સરદાર જયંતિ માટે રકમ ફાળવવાની માગ સાથે વિપક્ષી નેતા ફ્લોર પર બેઠા

વડોદરા જિલ્લા પંચાયતના ભવનનું નામ સરદાર પટેલ ભવન આપવામાં આવ્યું છે.પરંતુ સરદાર જયંતિની ઉજવણી માટે અલગ રકમ ફાળવવામાં આવી નથી.જેથી વિપક્ષી નેતાએ આજે સરદાર જયંતિ માટે અલગ રકમ નહિ ફાળવો તો હું પોતે મારા ખાતામાંથી ૨ લાખનો ચેક આપીશ તેમ કહી ફ્લોર પરબેસી વિરોધ કર્યો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું હતું કે,આપણે દર વર્ષે ઉજવણી કરીએ જ છીઅ અને તે માટે ખર્ચ પણ મંજૂર કરીએ છીએ.પરંતુ વિપક્ષી નેતાએ સરદારના નામથી ખર્ચ ફાળવવા માટે આગ્રહ રાખતા તેને મંજૂર રાખ્યો હતો.