- માત્ર 5 મિનિટમાં બોર્ડની કાર્યવાહી પૂર્ણ
- અંદાજ પત્રમાં રૂ. 57.88 લાખની પુરાંત દર્શાવાઈઃ સભામાં વિપક્ષ કોંગ્રેસમાંથી માત્ર એક જ કાઉન્સિલર હાજર રહ્યા
બગોદરા : ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ.૮૭.૧૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે. અંદાજ પત્રમાં રૂ.૫૭.૮૮ લાખની પુરાંત દર્શાવાઈ છે. સભામાં વિપક્ષ કોંગ્રેસમાંથી માત્ર એક જ કાઉન્સિલર હાજર રહ્યા હતા.
ધોળકા નગરપાલિકા ખાતે પ્રમુખ અશોકભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ત્રિમાસિક અને ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી. સભાની કાર્યવાહી અત્યંત ઝડપી રહી હતી અને માત્ર પાંચ જ મિનિટમાં બજેટ સહિતના વિકાસલક્ષી કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભ્યોની મુદ્દત ટૂંક સમયમાં પૂર્ણ થતી હોવાથી આ છેલ્લું જનરલ બોર્ડ માનવામાં આવે છે.
આ સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ દ્વારા રૂ.૮૭,૧૯,૮૩,૩૬૨નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રૂ.૫૭,૮૮,૩૬૨ની પુરાંત દર્શાવવામાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ રહી કે વિપક્ષ કોંગ્રેસમાંથી માત્ર એક જ કાઉન્સિલર મનસુરખાન તાલુકદાર હાજર રહ્યા હતા. વિપક્ષની પાંખી હાજરી અને સભ્યોના સાથ-સહકાર વચ્ચે શહેરના વિકાસ માટેના વિવિધ કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.


