Gujarat

ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

By GS TEAM
19 Jun 20252 mins read
ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

વડોદરાઃ થાઈલેન્ડના ટોચના ધર્મગુરુ અને થાઈ બુધ્ધિસ્ટ સંઘના કાર્યકારી વડા એમિનન્સ સોમદેજ સહિત છ બૌધ્ધ ધર્મગુરુઓના પ્રતિનિધિ મંડળે એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી તેમજ યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિની પૂજા અર્ચના અને દર્શન કર્યા હતા.

આ પ્રતિનિધિ મંડળમાં ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ કાઉન્સિલના પ્રમુખ ટોંગથોંગ ચંદ્રાસુનો પણ સમાવેશ થતો હતો.પ્રતિનિધિમંડળની સાથે આવેલા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી કર્નલ સક્સેનાએ કહ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની મુલાકાતે ગયા હતા.તેમણે થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓને ગુજરાતમાં એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બૌધ્ધના અવશેષોની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.એ પછી આ પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં નેશનલ મ્યુઝિયમમાં સચવાયેલા ભગવાન બૌધ્ધના અસ્થિઓની પૂજા કર્યા બાદ પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે છે.એમ.એસ.યુનિવર્સિટીમાં તેમણે ભગવાન બુધ્ધના અસ્થિની પણ પૂજા કરી હતી.તા.૨૦ અને ૨૧ જૂનના રોજ બૌધ્ધ ધર્મગુરુઓ દ્વારકાની મુલાકાત લેશે તેમજ દ્વારકા પીઠના શંકરાચાર્ય સાથે પણ સંવાદ કરશે.કર્નલ સકસેનાએ કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બૌધ્ધના અસ્થિઓને થાઈલેન્ડ લઈ જવાની પણ યોજના છે.જેથી થાઈલેન્ડના લોકો પણ દર્શન કરી શકે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડની મુલાકાત વખતે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જોકે આ માટે બંને સરકારો વચ્ચે વાતચીત કરવાની અને લાંબી પ્રક્રિયા પૂરી કરવાની બાકી છે.તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા આ જ રીતે સારનાથમાં સચવાયેલા અસ્થિઓને વિએટનામ પણ લઈ જવાયા હતા.

૧૯૬૦માં દેવનીમોરી સાઈટના ઉત્ખનન દરમિયાન પવિત્ર અસ્થિ મળ્યા હતા 

સાંબરકાંઠા જિલ્લામાં આવેલી બુધ્ધિસ્ટ સાઈટ દેવનીમોરી ખાતે એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના પ્રોફેસર આર એન મહેતા તેમજ એસ એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગે ૧૯૬૦ થી ૧૯૬૩ના સમયગાળમાં ઉત્ખનન હાથ ધર્યું હતું.જેમાં તે સમયની ધાતુનું એક પાત્ર મળ્યું હતું. તેના પર ભગવાન બુધ્ધના અસ્થિ આ પાત્રમાં સચવાયેલા છે તેવો ઉલ્લેખ પણ હતો.ત્યારથી આ અસ્થિ આર્કિઓલોજી વિભાગમાં સાચવવામાં આવ્યા છે.