કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા
મોરબીના રાજપર ગામે મધરાત્રે ખૂની ખેલ ખેલાયો : વારંવાર દેણાં કરીને આવતા ભાઈના પૈસા ભરવા પડતાં અને જમીન પણ વેચાવી નાખી હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ છરી-લાકડીના ઘા ઝીંકી દીધા
મોરબી, : મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના બહેને ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાણા ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ પોતાના મોટાભાઈ મહેશ મોહનભાઈ અઘારા (રહે.રાજપર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આજે સવારના છ વાગ્યે પિતાએ ફોન કરી જાણ કરી હતી કે નાના ભાઈ પ્રવીણનું મોત થયું છે. જેથી રાજપર ગામે પિતાના ઘરે જઈને જોતા નાનો ભાઈ પ્રવીણ લોહીલુહાણ મૃત હાલતમાં પડયો હતો. તેના માથા, કપાળ, જમણી આંખ, ગરદન તેમજ ખંભા પર તીક્ષ્ણ હથિયારના ઘા અને ઈજા જોવા મળી હતી.
બનાવ અંગે પિતાને પૂછતાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના દીકરો પ્રવીણ ન્હાઈ-ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા અને મોટો ભાઈ મહેશ જાગી ગયા હતા. બાદમાં ભાઈ પ્રવીણ રૂમમાં સુવા માટે જતાં મોટો ભાઈ મહેશ લાકડી લઈને ગયો હતો અને કહેવા લાગ્યો કે, 'તું કાઈ કામ ધંધો કરતો નથી. બહારથી ઉછીના રૂપિયા લઈને જલસા કરે છે. તે લીધેલા રૂપિયા અમારે ભરવા પડે છે. તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂપિયા માંગવા વાળા આવે છે..' કહીને આવેશમાં આવી લાકડી અને છરીથી હુમલો કર્યો હતો. જેથી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.