Get The App

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા 1 - image


- રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના

- તીક્ષ્ણ હથિયારના ઝનૂનથી ઘા ઝીંકાતાં ખોપડી ફાટી ગઈ અને કાન કપાઈ ગયો, ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમોની દોડધામ

રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં બ્લોક નં.૧૬માં રહેતી સ્નેહા ઉર્ફે સેવું હિતેષભાઈ આસોડિયા નામની ૩૩ વર્ષની પરિણીતા ગઈકાલે સાંજે ઘરેથી પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગઈ હતી. આજે સવારે તેની ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 

આ હત્યાનો ભેદ ઉકેલવા બી-ડિવિઝન પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમો કામે લાગી છે. જો કે મોડી સાંજ સુધી પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય તેવી કોઈ માહિતી મળી નથી. 

પોલીસ પાસેથી  પ્રાપ્ત માહિતી મુજબ સ્નેહા ઉર્ફે સેવુંએ ત્રણ વર્ષ પહેલાં હિતેષ કાંતિભાઈ આસોડિયા સાથે બીજા લગ્ન કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર શિવાંસની પ્રાપ્તી થઈ હતી. જે હાલ બે વર્ષનો છે. 

ગઈકાલે સાંજે તે પતિને પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે રાખી દીધો હતો. તેણે કારખાને રહેલા પતિને કોલ કરી  સસરાને ઘરે રહેલા પુત્ર શિવાંસને  તેડતા આવવાનું અને સાથોસાથ પોતાને પણ લઈ જવાનું કહ્યું હતું. 

ત્યાર પછી તે મોડી રાત સુધી ઘરે આવી ન હતી. પરિવારજનોએ આકુળ વ્યાકુળ બની તેની ઘણી શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આજે સવારે ભગવતીપરા   મેઈન રોડથી વેલનાથપરા જવા માટેના કાચા રસ્તા પર અંદર આવેલી અવાવરૂ જગ્યામાંથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 

જાણ થતાં બી-ડિવીઝન પોલીસ ઉપરાંત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે જોયું તો સ્નેહા ઉર્ફે સેવુંની માથાના ભાગે ધારિયા કે કુહાડી જેવા ધારદાર હથિયાર વડે ઝનૂનથી ઝીંકાયેલા ઉંડા ઘા જોવા મળ્યા હતા.  માથામાં ક્રૂરતાથી ઝીંકાયેલા આ ઘાને કારણે ખોપડી ફાટી ગઈ હતી. કાનના ભાગે પણ ઝનૂનથી ઘા ઝીંકાયો હોવાથી એક કાન કપાઈ ગયો હતો. આ ઉપરાંત નાક, જમણી આંખની બાજુમાં પણ ઘા ઝીંકાયેલા જોવા મળ્યા હતા. 

બી-ડિવીઝન પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતક સ્નેહા ઉર્ફે સેવુંના ભાઈ અમિત પ્રવીણભાઈ બાવરીયા (ઉ.વ.ર૭, રહે. હુડકો આવાસ યોજનાના કવાર્ટર)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. હત્યા કોણે અને કયા કારણથી કરી તે વિશે પોલીસને મોડી સાંજ સુધી કોઈ માહિતી મળી ન હતી. અંગત કારણોસર હત્યા થયાના તારણ પર પોલીસ પહોંચી છે. 

- પતિને બદલે ભાઈને પોલીસે ફરિયાદી બનાવતાં ચર્ચા જાગી

રાજકોટ: હત્યાનો ભોગ બનનાર સ્નેહા ઉર્ફે સેવું ઘરેથી નીકળે છે તેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. જો કે ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને ભેદ ઉકેલવામાં મુશ્કેલી પડી રહી છે. પરિવારના સભ્યોની પણ પોલીસ પુછપરછ કરશે. પોલીસે સ્નેહાના પતિને ફરિયાદી બનાવવાને બદલે તેના ભાઈને ફરિયાદી બનાવતાં તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતે પોલીસે એમ કહ્યું છે કે સ્નેહાબેનના પતિ વીધિમાં રોકાયા હોવાથી તેના ભાઈને ફરિયાદી બનાવાયો છે. 

- મૃતક સ્નેહાના પહેલાં લગ્ન એક જ વર્ષના ગાળામાં જ તૂટી ગયા હતા

- ત્રણ વર્ષ પહેલાં બીજા લગ્ન કર્યા હતા

-ભાઈએ બનેવી સાથે મળી મોડી રાત સુધી શોધખોળ કરી પરંતુ પત્તો લાગ્યો ન હતો

રાજકોટ: હત્યાનો ભોગ બનનાર સ્નેહાના ભાઈ અમિતે પોલીસને જણાવ્યું કે તેના સસરા વિજય વારડેનું મનહર પ્લોટમાં ડાય પંચીગનું કારખાનું છે. જેમાં તે  રિક્ષાના ફેરા કરે છે. તેના પિતા જૂના મોરબી રોડ પર કારખાનામાં મજુરી કરે છે. તેને ત્રણ બહેનો હતા. જેમાંથી મોટા જલ્પાબેન દિનેશભાઈ મકવાણા વિનોદનગરમાં સાસરે છે. બીજા નંબરે સ્નેહા ઉર્ફે સેવું હતી. જેણે ૧૩ વર્ષ પહેલાં કોઠારીયા રોડ પર રહેતાં દિપક બાબુભાઈ ગુજરાતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે એકાદ વર્ષ બાદ જ  છૂટાછેડા થઈ ગયા હતા. ત્રણેક વર્ષ પહેલા તેની બહેને હિતેષ સાથે બીજા લગ્ન કર્યા હતા. 

જયારે તેની ત્રીજી બહેન અવની દિવ્યેશભાઈ ખસીયા ભાવનગર રોડ પર સાસરે છે. તેના બનેવી હિતેષને ગ્રીનલેન્ડ ચોકડી નજીક લોખંડની ચોરસી બનાવવાનું કારખાનું છે. ગઈકાલે તે પત્ની સાથે કોઠારીયા રોડ પર આવેલા મોલમાં ખરીદી કરવા ગયો હતો. તે વખતે તેનાથી મોટી અવનીબેને કોલ કરી પૂછયું કે સેવું તારે ત્યાં આવી છે? તેણે ના પાડી હતી. રાત્રિના તે પત્ની સાથે સેવુંના ઘરે નીકળ્યો હતો. રસ્તામાંથી બનેવી હિતેષને કોલ કરતાં કહ્યું કે હાલ તે પુત્રને મુકવા તેના પિતાના ઘરે જાય છે. થોડીવારમાં પરત આવી જશે. થોડીવાર પછી તેના બનેવી ઘરે આવી જતાં બંનેએ મળી તેની બહેનની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. સીસીટીવી કેમેરા પણ જોયા હતા. જેમાંથી એક કેમેરામાં તેની બહેન લાલ કલરના કુર્તા અને કાળા કલરની લેંગીસમાં જતી જોવા મળી હતી. રાત્રે દોઢેક વાગ્યા સુધી બહેનની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. આખરે સવારે સોશિયલ મીડીયા થકી બહેનની હત્યા થયાની જાણ થઈ હતી.

Tags :