જસદણના કનેસરા ગામે વાડીએ પાણી વાળવા ગયેલા યુવકની ઘાતકી હત્યા
યુવાન ઘરે પરત નહીં ફરતાં પરિવારે તપાસ કરા તો વાડીમાંથી મૃતદેહ મળ્યો : માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકાયા, પિતા-પુત્ર વચ્ચે ઝગડા થતા હોઇ નશામાં ધૂત પિતાએ હત્યા કર્યાની શંકાના આધારે પોલીસ તપાસ
જસદણ, : જસદણ તાલુકાના કનેસરા ગામના યુવાનની તેની વાડીએ રહેલા ખાટલામાં સુતેલી સ્થિતિમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતક યુવાનની લાશને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી હતી. મૃતક અને પિતા વચ્ચે અવારનવાર ઝગડા થતા હોઇ ગત રાત્રે નશામાં ધૂત પિતાએ જ તેના સગા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતો અને હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો મહેશભાઈ બટુકભાઈ કુકડીયા(ઉ.વ. 24) ગઈકાલે રાત્રીના 10 વાગ્યે તેની વાડીએ પાણી વાળવા માટે ગયો હતો. પરંતુ સવાર પડવા છતાં તે યુવાન ઘરે પરત નહી ફરતા તેના પરિવારજનો વાડીએ તપાસ માટે ગયા હતા. ત્યારે વાડીએ પાણીની મોટર ચાલુ હતી. અને યુવાન જે ખાટલામાં નિયમિત સુતો હતો તે ખાટલામાં જ કપડું ઢાંકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. બાદમાં આ બનાવ અંગે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક મહેશ કુકડીયા પોતે અપરણિત હતો અને તે હીરા ઘસવાનું કામ કરી પરિવારને મદદ થતો હતો. ગામમાં પણ કોઈની સાથે વાંધો ન હોવાનું ખુલ્યું છે. પરંતુ મૃતક અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝગડા થતા હોઇ ગત રાત્રીના નશામાં ધૂત તેના પિતાએ પુત્ર મહેશ સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી તેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ ભાડલા પોલીસે હત્યાની ઘટનાની નોંધ કરી યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડી બનાવનું સાચું કારણ બહાર લાવવા માટે આગળની તજવીજ હાથ ધરી છે. જો કે મૃતક યુવાનનો ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ અને આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ હત્યાના બનાવનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.