Gujarat

લુખ્ખી દાદાગીરી : કોઇપણ કારણ વગર યુવાનનું અપહરણ કરી મારકૂટ

By GS TEAM
22 Jul 20252 mins read
લુખ્ખી દાદાગીરી : કોઇપણ કારણ વગર યુવાનનું અપહરણ કરી મારકૂટ

આજે તને બતાવી દેવું છે કે માથાકૂટ કોને કહેવાય

બાપા સિતારામ ચોક પાસે પાનની દુકાને બેઠેલા યુવક સાથે કારણ વગર માથાકૂટ અને મારપીટ કરી, કારમાં ઉપાડી ગયા

રાજકોટ: રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો અને લુખ્ખાઓ બેલગામ બન્યાં છે. તેની પ્રતિતિ કરાવતી વધુ એક ઘટના બહાર આવી છે. ગઇકાલે રાત્રે બાપા સીતારામ ચોક પાસેથી એક યુવાનનું કોઇપણ કારણ વગર પાંચ શખ્સો કારમાં અપહરણ કરી ગયા હતાં. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બાપા સીતારામ ચોકમાં દીપ જ્યોત સોસાયટી શેરી નં. ૪માં રહેતા અને પુષ્કરધામ મેઇન રોડ પર સર્વિસ સ્ટેશન ચલાવતા મિલન દિપેશભાઈ ધોરેચા (ઉ.વ.૨૩)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે ઘર નજીક પાનની દુકાને બેઠો હતો ત્યારે એક્સેસ ઉપર આવેલા બે શખ્સોએ તેને ધક્કો માર્યો હતો. એટલું જ નહીં તેને ગાળો ભાંડી હતી. 

સાથોસાથ કહ્યું કે આજ તો તારી સાથે મેટર સેટ કરવાની છે, તું મને ગાળ દે એટલે તને ખબર પડે. આમ છતાં તેણે શાંતિ રાખી હતી. એવામાં  તેનો મોટો ભાઇ પ્રતિક ત્યાં આવતા તેની સાથે પણ બંને શખ્સોએ માથાકૂટ કરી હતી. જેથી તેણે પ્રતિકને સમજાવીને ઘરે મોકલી દીધો હતો. તેના ગયા બાદ બંને શખ્સોએ તેને કહ્યું કે આજે તને બતાવી દેવું છે કે માથાકૂટ કોને કહેવાય. 

ત્યાર પછી તે બંને શખ્સોએ કોલ કરતાં પોલો કારમાં ત્રણ શખ્સો આવ્યા હતાં. બાદમાં પાંચેય શખ્સોએ ભેગા થઇને તેને ગડદાપાટુનો માર મારી, કારમાં બેસાડી દીધો હતો. રામધણ પાસે લઇ જઇ, જમીન પર સુવડાવી, વાંસા અને સાથળના ભાગે લાકડીઓના ઘા ઝીંક્યા હતાં. આ પછી તેને જવા દીધો હતો. 

તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે એકસેસ પર આવેલા બે શખ્સોના નામ પ્રતાપ બોરીચા અને પાર્થ બન્ના હતા. અન્ય ત્રણ શખ્સોને ઓળખતો નથી. રાજકોટ તાલુકા પોલીસે પાંચેય શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે અપહરણ પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી.