અમદાવાદ: નારણપુરામાં રાહદારીના પગ પર BRTS બસનું ટાયર ફરી વળતાં બસમાં તોડફોડ, 2 સામે ફરિયાદ

Ahmedabad News : અમદાવાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે શનિવારે (18 ઓક્ટોબર) રાત્રે અમદાવાદના નારણપુરા પાસે એક રાહદારીના પગ પરથી BRTS બસના ચાલકે બસનું ટાયર ચડાવી દેતાં મામલો બીચક્યો હતો. જેમાં બે શખ્સોએ લાકડી અને પાઈપ વડે BRTS બસમાં તોડફોડ કરીને ડ્રાઈવરને માર માર્યો હતો. સમગ્ર ઘટના અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના નારણપુરા પાસે BRTS બસમાં તોડફોડ અને માર મારવા મામલે ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 'ગઈકાલે સાણંદ ચોકથી જયમંગલ સુધીની છેલ્લી ટ્રીપ મારી હતી. આ પછી બસ શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મુકવા જતાં વળાંક પર એક રાહદારીનો પગ બસ ટાયરમાં આવી ગયો હતો. જેમાં મે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. જોકે, એટલામાં બે શખ્સો અકસ્માત કે કર્યો તેમ કરીને લાકડી અને પાઈપ વડે બસના કાચ તોડીને તોડફોડ કરવા લાગ્યા હતા અને મને માર માર્યો હતો.'
સમગ્ર ઘટના મામલે BRTS બસના ચાલકે બે શખ્સો વિરૂદ્ધમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ડ્રાઈવરનું નિવેદન લઈને સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી છે.