Gujarat

બાઇક લોખંડની રેલિંગ સાથે અથડાતાં સાળાની નજર સામે જ બનેવીનું મૃત્યુ

By GS TEAM
29 Jun 20252 mins read
બાઇક લોખંડની રેલિંગ સાથે અથડાતાં સાળાની નજર સામે જ બનેવીનું મૃત્યુ

બાજુમાંથી પુરપાટ ગાડી નીકળવાના પગલે

મુળ રાજસ્થાનના વતની સાળો-બનેવી ધોળાકુવા ગામમાં પરિવાર સાથે રહી નાના ચિલોડામાં કડિયાકામ કરતા હતાં

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ભઇજીપુરા ગામની ચોકડીથી નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં સાળાની નજર સામે જ બનેવીનું મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો. શ્રમજીવી બંને યુવાનો બાઇક પર ઘરે જતા હતાં. દરમિયાન બાજુમાંથી પુરપાટ વેગે ગાડી નીકળવાથી કાબુ ગુમાવ્યાના પગલે લોખંડની રેલીંગ સાથે બાઇક અથડાઇ પડી હતી. રાજસ્થાનના વતની સાળો-બનેવી ધોળાકુવામાં રહીને નાના ચિલોડામાં કડિયાકામ કરતા હતાં.

ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધવામાં આવેલા અકસ્માતના આ બનાવમાં મુળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડા તાલુકાના ભીમંદરી ગામના વતની અને હાલ ગાંધીનગરના ધોળાકુવા ગામે રહેતા નાનકા રૃપાભાઇ મીણા નામના યુવાનનું મૃત્યુ થયુ હતું.

 આ બનાવ સંબંધે તેના સાળા ધોળાકુવા ગામે જ રહેતા મુળ ભીંદરડી ગામના વતની રાહુલ અમરાભાઇ ડિંડોરની ફરિયાદ પરથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રાહુલની ઘરની સામે જ તેના મોટા બાપાની દિકરી રેખાબેન અને તેનો મૃતક પતિ નાનકા મીણા રહેતો હતો. બંને નાના ચિલોડા ગામમાં ચાલતી બાંધકામ સાઇટ પર કડિયાકામ કરતા હતાં. ત્યાં આવવા જવા માટે નાનકાના શેઠ દ્વારા બાઇક આપવામાં આવ્યુ હોય સાળો-બનેવી આ બાઇક પર આવ-જા કરતા હતાં. તારીખ ૨૮મીની સાંજે કામ પતાવ્યા બાદ બન્ને બાઇક પર બેસીને ઘરે આવવા નીકળ્યા હતાં. ત્યારે બાઇક મૃતક નાનકા મીણી ચલાવતો હતો. દરમિયાન ભઇજીપુરા સર્કલ નજીક પહોંચ્યા ત્યારે બાજુમાંથી પુરપાટ વેગે ગાડી નીકળતા નાનકા મીણા ગભરાઇ ગયો હતો અને બાઇક પરનો કાબુ ગુમાવતા લોખંડની રેલીંગ સાથે બાઇક અથડાઇ પડયુ હતું. તેમાં માથામાં ઇજા થવાથી નાનકા મીણાનું મૃત્યુ થયુ હતું.