કાર સાથે બાઈક અથડાતાં સાળાનું મોત, બનેવીને ઈજા
- તાજપર-બોટાદ રોડ પર સર્જાયો અકસ્માત
- પૂરઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતાં સાળો-બનેવી બન્ને ફંગોળાયા, કારચાલક સામે ફરિયાદ
ભાવનગર : બોટાદના તાજપરથી બોટાદ શહેર તરફ જઈ રહેલા સાળા બનેવીના મોટરસાયકલ સાથે કારનો અકસ્માત સર્જાતાં સાળાનું મોત નિપજ્યું હતું જ્યારે બનેવીને ગંભીર ઇજા પહોંચી હતી.
બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતા કલ્પેશભાઈ ભરતભાઈ દુધરેજીયા (ઉ.વ ૩૭) તેમના બનેવી જીતેશભાઈ શિવરાજભાઈ હરીયાણી સાથે મોટરસાયકલ ન.જીજે.૦૪.ઈએલ.૩૬૭૯ લઈને તાજપરથી બોટાદ તરફ જતા હતા તે દરમિયાન તાજપર બોટાદ રોડ પર સામેથી આવી રહેલા કાર નંબર જીજે.૩૩.એફ.૫૨૧૮ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈકસવાર સાળા બનેવીને ગંભીર ઇજા પહોચી હતી. અને બન્નેને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાળા કલ્પેશભાઈનું મોત નિપજ્યું હતું.જયારે, બનેવીની હાલત ગંભીર મનાય રહી છે.બનાવ અંગે મૃતકના ભાઈ સંજયભાઈ ભરતભાઈ દુધરેજીયાએ કાર ચાલક વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.