જામનગરમાં કાલાવડ પાસે બાઈક સ્લીપ થઈ જતાં સાળા-બનેવી ઈજાગ્રસ્ત બન્યા બાદ સાળાનું મૃત્યુ
Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ પાસે એક બાઈક અકસ્માતે પલટી મારી ગયું હતું, જે બાઈકમાં બેઠેલા બામણ ગામના વતની સાળા-બનેવી ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સાળાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેશ વેરશીભાઈ રાઠોડ નામનો 37 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના બનેવીને બેસાડીને બામણ ગામથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતાં સાળા-બનેવી બંને નીચે પટકાઈ પડ્યા હતા. જે પૈકી સાળા રાજેશભાઈ રાઠોડને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક રાજેશના મોટાભાઈ સુરેશભાઈ વીરજીભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.