Gujarat

કાટવાણામાં રક્ષાબંધને ૧૧ હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી ભાઈ-બહેન શહીદ થયા

By GS TEAM
8 Aug 20252 mins read
કાટવાણામાં રક્ષાબંધને ૧૧ હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી ભાઈ-બહેન શહીદ થયા

કાટવાણા ગામે બારૈયા શાખમાં સુરાપુરા તરીકે પૂજા થાય છે : સાડા છસ્સો વર્ષ પહેલાંનો ખાંટ રાજપત સમાજનો અનેરો ઈતિહાસ : ગામના પાદરે પાળિયા મોજુદ

પોરબંદર, : સાડા છસ્સો વર્ષ કરતાં વધુ સમય પહેલા પોરબંદર નજીકના કાટવાણા ગામે 11 જેટલા હુમલાખોરોના ઢીમ ઢાળીને ખાંટ રાજપુત સમાજના ભાઈ બહેન શહીદ થયા હતાં. અને આજે પણ ત્યાં બંનેના પાળીયા આવેલા છે. અને બારૈયાશાખમાં સુરાપુરા તરીકે તેઓ પૂજાય છે.

સાડા છસ્સો વર્ષ પૂર્વે પોરબંદર માટે રાજપૂત સમાજના બારૈયા શાખનો જુવાન રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોતાની બહેનને અમરગઢ ગામે તેડવા માટે પગપાળા જતો હતો. તત્કાલિન સમયે વાહનની કોઈ સગવડ ન હોવાના કારણે મોટા ભાગે પગપાળા જવાનો જ રિવાજ હતો. યુવાન ચાલતા ચાલતા બરડા ડુંગર પાસેના કાટવાણા ગામે પહોંચ્યો. આ ગામના પાદરમાં 5 યુવાનો ગામના ઓટલા પર બેઠા હતાં ત્યાં સામે આવતા બારૈયા જુવાનને જોયો અને નજીક આવતા જુવાન પાસે ઝભ્ભે રાખેલ કળીવાળી આકર્ષક લાકડી જોતા આ વિધર્મી યુવાનો આડા ઉભા રહીને તારે અહીથી જવું હોય તો લાકડી આપતો જા એવી માંગ કરતા યુવાને પડકાર ફેંક્યો કે તમારી માનું ધાવણ ધાવ્યું હોય તો લાકડીને હાથ અડાડીને બતાવો એમ કહી ફાંટમાં રાખેલ અણીદાર પાણો કાઢીને છુટો ઘા કરતા એક યુવાન તો ત્યાં જ બઠો વળી ગયો. અને બીજાઓને લાકડીથી માર મારી અધમુઆ કરી નાખ્યા. જતા જતા પડકાર ફેંકતો ગયો કે પરમદિવસે હુંઅહીથી મારી બેનને લઈને નીકળીશ તમારામાં જોર હોય તો આવી જજો.

એટલું કહીને બહેન રાજબાઈના ગામ અમરગઢ જવા નીકળી પડયો. જયાં બહેનના ઘરે એક દિવસ રોકાઈને બહેનને લઈને પરત ફરતો હતો ત્યારે વચ્ચે રસ્તામાં કાટવાણા ગામ આવ્યું ત્યાં હવે પાંચને બદલે 11  યુવાનો તેની રાહ જોઈને જ બેઠા હતાં. અને તેમણે હવે તો અમારે લાકડી અને લડકી બંને જોઈએ છે. તેમ કહેતા રજપૂતાણીનું લોહી ઉકળી ઉઠયું તેણીએ પણ રક્ષા માટે સંતાડી રાખેલ તલવાર કાઢી એક ઝાટકે એક શખ્સનું માથુ ધડથી અલગ કરી નાખ્યું. અને બંને ભાઈ બહેન તૂટી પડયાં. જેમાં સામસામે ખેલેણા યુધ્ધમાં 11ના ઢીમ ઢાળી દીધા પણ સાથો સાથ બંને ભાઈ બહેન પણ શહીદ થઈ ગયા.સાડા છસ્સો વર્ષ પૂર્વે રક્ષાબંધના પાવન દિવસે શહીદ થયેલા આ ભાઈ બહેનના આજે પણ કાટવાણા ગામમાં પાળીયા છે. અને બાજુના કબ્રસ્તાનમાં 11 કબર છે. અને શહીદ ભાઈ બહેન બારૈયાશાખમાં સુરાપુરા તરીકે આજે પણ પૂજાય છે.