દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા
યુ.પી.માં અલગ રહેતી માતા પાસે પહોંચી ગયેલા બંને બાળકોને પોલીસે શોધી કાઢ્યા
વડોદરા,દાદા અને ફોઇના ત્રાસથી કંટાળીને ઘર છોડીને ભાઇ બહેન યુ.પી. ના એક ગામમાં રહેતી માતા પાસે પહોંચી ગયા હતા. સિટિ પોલીસની ટીમ તપાસ કરતા યુ.પી. પહોંચી ગઇ હતી અને ગૂમ ભાઇ બહેન માતાના ઘરે મળી આવતા હાશકારો અનુભવ્યો હતો.
માતા, પિતા છૂટા પડી જતા દાદાના ઘરે રહેતા ભાઇ બહેન થોડા સમય પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. દાદાએ તપાસ કરવા છતાંય બાળકો નહીં મળતા છેવટે સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીર વયના ભાઇ બહેનને શોધવા માટે ડી.સી.પી. પન્ના મોમાયાની સૂચના મુજબ સ્ટાફે તપાસ શરૃ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે, બાળકોના માતા - પિતા વચ્ચે વિવાદ થતા તેઓ છૂટા પડી ગયા છે. માતા યુ.પી.માં અન્ય વ્યક્તિ સાથે લિવ ઇનમાં રહે છે જ્યારે પિતા પણ અલગ રહેતા હતા. પોલીસ તપાસ કરતા યુ.પી.ના ઇટાવા જિલ્લાના ચક્કન નગર તાલુકાના ગઢૈયા ગામે પહોંચી ગઇ હતી. જ્યાં માતા સાથે બંને બાળકો હેમખેમ મળી આવ્યા હતા. બંને બાળકો માતા સાથે જ રહેવા ઇચ્છતા હોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળકોને માતાને સુપરત કર્યા હતા. જ્યારે ગુનામાં પોલીસે સમરી રિપોર્ટ ભર્યો હતો.