ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો
મોંઢા પર લોખંડના ટૂકડા અને પાઇપથી હુમલો કરી આરોપીઓ ફરાર
વડોદરા, ખોડિયાર નગર પીળા વુડાના મકાનમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે યુવક પર ત્રણ આરોપીઓએ લોખંડની પાઇપ વડે હુમલો કરી મોંઢા પર ઇજા પહોંચાડી હતી.
ન્યૂ વી.આઇ.પી. રોડ અમર નગરમાં રહેતા કિશનભાઇ મોહનભાઇ વાઘેલા જમીન લે - વેચનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨૩ મી તારીખે રાતે સવા નવ વાગ્યે હું મારા ઘરેથી બૂલેટ લઇને ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા અર્જુનભાઇ લાલાભાઇ મારવાડીની ખબર પૂછવા માટે ગયો હતો. મામાની ખબર જોઇને રાતે સાડા અગિયાર વાગ્યે પીળા વુડાના મકાનમાં રહેતા મારા મિત્ર અર્જુનભાઇ રાજુભાઇ મારવાડીને મળવા જતો હતો. તે દરમિયાન ત્યાં વિક્રમ ઉર્ફે બુચો, તેનો સાળો મરઘી તથા અન્ય એક વ્યક્તિ બેઠા હતા. જે પૈકી મરઘીએ ગાળો બોલીકહ્યું કે, અહીંયા કેમ હોર્ન વગાડે છે ? મેં તેને ગાળો બોલવાની ના પાડતા વિક્રમે મારા પર લોખંડના ટૂકડા વડે હુમલો કરી મોંઢા પર તથા મરઘીએ પાઇપ વડે મારા ચહેરા પર ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.