ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે

- દિવાળીના તહેવાર ટાણે ગટરમાં પડવાનો ભય
- પાલિકા વિસ્તારમાં લાખોના બિલ ચૂકવવા છતાં ભૂગર્ભ ગટરની સફાઈ- સંભાળનો અભાવ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં તૂટી ગયેલા ભૂગર્ભ ગટરોના ઢાંકણાથી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ દિવાળીના તહેવારોની સિઝન શરૂ થતા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્વજનો એકબીજાને મળવા માટે જતા આવતા હોય છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અનેક જગ્યાઓ પર ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટેલી હાલતમાં છે.
ધ્રાંગધ્રા શહેરમાં કોઈપણ સમયે રાહદારીઓ તૂટેલા ગટરના ઢાંકણાંના લીધે ભૂગર્ભ ગટરમાં ખાબકે તો મોટી જાનહાનિ થવાની શક્યતા સેવાઈ રહી છે. અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. બીજી તરફ નગરપાલિકા દ્વારા દર મહિને ભૂગર્ભ ગટરની સાર સંભાર રાખવા માટે લાખો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે પરંતુ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થતી નથી તેમજ તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાં પણ બદલવામાં આવતા નથી. જેના કારણે કોન્ટ્રાકટરની બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે. ત્યારે તહેવારોની સીઝનમાં શહેરી વિસ્તારોમાં તૂટેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાં તાત્કાલિક બદલવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.