Get The App

ખેડા- માતર રોડ પર શેઢી નદી અને સેવાલિયામાં મહી નદીના બ્રિજ જોખમી

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા- માતર રોડ પર શેઢી નદી અને સેવાલિયામાં મહી નદીના બ્રિજ જોખમી 1 - image


- ખેડા જિલ્લામાં જોખમી પુલ જાનહાનિ સર્જી શકે 

- સાંકડા પુલ એક તરફ આડશ જ નથી, બ્રિજના જોઈન્ટના સળિયા દેખાવા સાથે સંખ્યાબંધ ખાડા

નડિયાદ : આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો ગણાતો ગંભીરા બ્રિજના આજે બે કટકા થતાં કરૂણાંતિકાએ ૧૦થી વધુ વ્યક્તિઓનો ભોગ લીધો છે. પાંચ-છ જેટલા વાહનો ખાબકતા આ દુર્ઘટનાએ નિર્દોષોનો ભોગ લીધો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ આવા અંત્યત જોખમી પુલ જોવા મળી રહ્યા છે. જેમાં ખેડા-માતર રોડ પર આવેલ શેઢી નદી પરનો બ્રિજ અને સેવાલીયામાં પણ મહિસાગર નદી પરનો બ્રિજ જોખમી છે.

ખેડા જિલ્લામાં પણ જોખમી અને જર્જરિત બ્રીજ જોવા મળી રહ્યા છે. આ જોખમી બ્રીજ ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જી શકે તેવી શક્યતા વાહનચાલકોને અને બ્રીજનો ઉપયોગ કરનાર લોકોને સતાવી રહ્યા છે. ખેડા-માતર રોડ પર આવેલ શેઢી નદી પર આવેલ જોખમી બ્રીજ છે. આ? બાબતે ખેડાના અરજદારે જાહેરહિતની અરજી કલેક્ટરમા ગત જાન્યુઆરી ૨૦૨૫માં જ કરી હતી. જે અરજીમાં જણાવાયું છે કે, ખેડા- માતર રોડ ઉપર શેઢીનો પુલ સાંકડો છે. તેના ઉપર આખા દિવસમાં અસંખ્ય વાહનો અવર-જવર કરે છે. 

જેથી વાહનો સામે સામે થાય છે. આગળ-પાછળ નિકળવાનો રસ્તો નિકળતો નથી. જેથી પુલ પર ટ્રાફીકજામ થાય છે. રાહદારીની પણ અવર-જવર હોવાથી જાનહાની થવાની શકયતા છે. હાલ પુલ પર ટેમ્પરરી લોખંડના પટ્ટાનો બંદોબસ્ત કરેલો છે. રાહદારીઓએ આવતા જતા વાહન અથડાતા અથવા નદીમાં પડી જાય તો રાહદારીને જોખમ ઉભુ થાય તેવું છે.

આ પુલ મે જાતે નિરીક્ષણ કરેલું છે. નગરજનોની માંગણી છે કે, આ પુલ બે સાઈડવાડો થાય તેવી માંગ છે. આ સંદર્ભે અરજદારે વધુમાં જણાવ્યું છે કે, આ રજૂઆત કર્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર નથી. આ બ્રીજ એક માર્ગીય હોવાથી સાંકડો છે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઇ તેવી શક્યતા છે. અગાઉ ધારાસભ્ય અને કલેક્ટર અને સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી. 

જેમાં કલેકટરે ઈજનેરને પત્ર લખી ઘટતુ કરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.  

આ ઉપરાંત ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાંથી પસાર થતો મહિસાગર નદી પરનો બ્રીજ પણ જોખમી હાલતમાં છે. બ્રીજ વચ્ચેના જોઈન્ટના સળીયા દેખાઈ આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મોટી હોનારત સર્જાય તે પહેલા જાગે તેવી માંગ ઉઠી છે. 

ઝડપથી સમારકામ માટે પ્રયાસ કરાશે : ના.કા. ઈજનેર, ડાકોર

આ અંગે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના ડાકોર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ અંગે આપણે બે વખત સમારકામ કરવા ટેન્ડરિંગ કર્યા છે. પરંતુ કોઈ ઈજારદારે રસ દાખવ્યો નથી. જેથી ખૂબ ઝડપથી આ બ્રિજનું સમારકામ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

Tags :