જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું
Jamnagar Corporation : વડોદરા નજીક બનેલી ગોઝારી પૂલની દુર્ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત ભરમાં પડ્યા છે, અને રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજની સર્વેની કામગીરી કરી લેવા માટેના આદેશો કરાયા છે. જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે, અને કમિશનરની રાહબરી હેઠળ આજે સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગર મહાનગરને જોડતા રાજકોટ રોડ કાલાવડ રોડ સહિતના માર્ગ ઉપર આવેલા અલગ અલગ ઓવરબ્રિજ કે જે તમામ નું નિરીક્ષણ કરવા માટે આજે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી જાતે જ નીકળ્યા હતા, અને સર્વેની કામગીરી હાથ ધરી હતી.
સૌ પ્રથમ જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિઝ પર જઈને નિરીક્ષણ કરાયું હતું, અને પૂલની વર્તમાન પરિસ્થિતિ અંગેની જાત માહિતી મેળવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જામનગર રાજકોટ રોડ પર ધુંવાવ પાસે આવેલા અલગ અલગ બે બ્રિજ કે જેનું પણ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું હતું, અને લગત અધિકારીઓને કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. રાજકોટ રોડ બાદ સમગ્ર ટુકડી જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર મહાપ્રભુજીની બેઠકથી આગળ તરફ જતા અલગ અલગ બ્રિજ વગેરેના નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વેળાએ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, ઉપરાંત ટીપીઓ શાખાના અધિકારીઓની ટીમ એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખાની ટીમ પણ જોડાઈ હતી, અને બારીકાઈથી સર્વે કરવામાં આવી રહ્યું છે.
શહેરના મુખ્ય રસ્તા ઉપરના ખાડા વગેરેનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સમારકામ કરવા સૂચના અપાઇ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ શહેરના મુખ્ય રોડ પર પરિભ્રમણ કર્યું હતું, અને વરસાદના કારણે ક્યાં રોડ તૂટી ગયા છે, અથવા તો તેમાં ખાડા બની ગયા છે, જેની પણ સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. જ્યાં રોડ તૂટેલા છે, તે તમામ સ્થળોએ તાત્કાલિક અસરથી પેચ વર્ક અથવા તો રોડ મરામતની કામગીરી કરી લેવા માટેની તાકીદની સુચના આપી હતી.