ગાંઠીલા-ધણફુલીયા પુલનું કામ મંથર ગતિએ થતાં જનાક્રોશ : ઓઝતના સામા કાંઠે ખેડૂતોની જમીન અને ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે : ચોમાસામાં બેઠો પુલ પસાર કરવો જોખમી
શાપુર, : વંથલી તાલુકાના ધણફુલીયાથી ગાંઠીલાને જોડતા પુલનું કામ ગોકળગતિએ થતું હોવાથી લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. છેલ્લા 2 વર્ષમાં 25 ટકા જેવું કામ જ થયું છે. આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
ધણફુલીયા ગામે ઓઝત નદી પર બેઠો પુલ-કોઝવે દર ચોમાસામાં ભારે પુરથી ધોવાઈ જતો હોવાને લીધે રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો, ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ પ્રશ્નને લઈ ત્રણ વર્ષ અગાઉ પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સરકારમાં રજુઆત કરાતા ધણફુલીયા-ગાંઠીલા (ઉમાધામ)ને જોડતો પુલ બનાવવા માટે 13 કરોડ જેવી રકમ ફાળવાઈ હતી. ત્યારબાદ 2 વર્ષ પહેલા પુલનું કામ શરૂ થતાં માત્ર ચાર પિલર સાથે અત્યાર સુધીમાં ૨૫ ટકા જેવું જ કામ થયું છે અને પુલનું સંપૂર્ણ કામ ક્યારે પૂર્ણ થશે તેના પ્રશ્નાર્થ સર્જાયો છે. ગોકળગાયની ગતિએ થતા કામ અંગે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, નદીના સામા કાંઠે અનેક ખેડૂતોની જમીન તેમજ ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. ધોવાયેલા કોઝવે પર બંને બાજુ પાણીનો પ્રવાહ વહેતો હોવાથી અને રેલિંગ પણ ન હોવાથી અકસ્માત સર્જવાનો ભય રહે છે ત્યારે ચોમાસામાં અવરજવર માટે મુશ્કેલી ન સર્જાય તે માટે પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.


