ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી

- બ્રિજ સમારકામનું કામ પણ હજૂ શરૂ કરાયું નથી
- રણકાંઠાના 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકો કિચડમાંથી પસાર થવા મજબૂર
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારના ગામો તરફ જવા માટે જર્જરિત બ્રિજને છેલ્લા ત્રણ મહિનાથી રિપેરિંગ કામ અર્થે બંધ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નર્મદા કેનાલ પરથી ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે. જે ત્રણ કિલોમીટરનો ડાયવર્ઝન રસ્તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
કુડા, કોપરણી, એંજાર, વિરેન્દ્રગઢ, જેસડા સહિત રણકાંઠાના ગામડાઓમાં વસવાટ કરતા ગ્રામજનો અને વાહન ચાલકોને બ્રિજ બંધ કરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાડાઓને કારણે પડી કે અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. આગાઉ પણ જર્જરિત બ્રિજને બંધ કરવાથી ધ્રાંગધ્રા તરફ આવતા ગ્રામજનોને ૩ કિલોમીટર સુધી બિસ્માર ડાયવર્ઝન પરથી પસાર થવું પડતું હતું. હવે કમોસમી વરસાદના લીધે આ ડાયવર્ઝન ધોવાઈ જતા કાદવ- કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ તરફ છેલ્લા ત્રણ મહિનાથી તંત્ર દ્વારા બ્રીજ બંધ કરવામાં આવ્યો છે પરંતુ, આજદિન સુધી બ્રીજની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આગામી સમયમાં મીઠાની સિઝન શરૂ થતા રણકાંઠામાં ઉત્પાદન થતા મીઠા ઉદ્યોગને પણ બ્રીજ બંધ રહેવાથી ફટકો પડવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે બ્રીજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અને સાથે ડાયવર્ઝનનો રસ્તો પણ રીપેર કરાય તેવી માંગ ઉઠી છે.

