કોર્પોરેશનના ના.કાર્યપાલક એન્જિનિયર સામે લાંચનો ગુનો દાખલ
લાંચની માંગણીની વાતચીતના રેકોર્ડિંગના પુરાવાનો એફ.એસ.એલ. રિપોર્ટ ૭ વર્ષે આવ્યો
વડોદરા,૭ વર્ષ પૂર્વે લાંચનું છટકું નિષ્ફળ જતા બચી ગયેલા કોર્પોરેશનના ના.કાર્યપાલક એન્જિનિયરની વાતચીતનું રેકોર્ડિંગ એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા છેવટે એન્જિનિયર સામે એન્ટિ કરપ્શન વડોદરા એકમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ - ૨૦૧૮ માં આજવા રોડ ખાતે બેલેન્સિંગ રીઝર્વોયરનું ઓપરેશન અને મેન્ટેનન્સનું ત્રણ વર્ષના કામનું ૬૦ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે પૈકી એક કોન્ટ્રક્ટરે ઓનલાઇન ટેન્ડર ભર્યુ હતું. કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમારે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી ટેન્ડર મંજૂર કરવા પાંચ ટકા પ્રમાણે ત્રણ લાખની માંગણી કરી હતી. જે પૈકી દોઢ લાખ કોન્ટ્રાક્ટરે આપી દીધા હતા. પરંતુ, કોન્ટ્રક્ટરનું કામ નહીં થતા તેણે એન્જિનિયરનો સંપર્ક કર્યો હતો. એન્જિનિયરે એવો જવાબ આપ્યો કે, બાકીના દોઢ લાખ આપી દો. જે વાતચીતનું રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટરે કરી લીધું હતું. કોન્ટ્રાક્ટર રૃપિયા આપવા માંગતા ન હોઇ તેમણે એસીબીમાં તા.૨૦ - ૧૧ - ૨૦૧૮ ના રોજ ફરિયાદ કરી હતી. જેના આધારે બીજા દિવસે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, છટકું નિષ્ફળ ગયું હતું.
પરંતુ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીત તથા પંચો રૃબરૃ થયેલા ઓડિયો વીડિયો રેકોર્ડિંગ એફ.એસ.એલ.માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેનું ટેમ્પરીંગ સર્ટિફિકેટ આવતા એન્જિનિયરે લાંચ માંગી હોવાનો વૈજ્ઞાાનિક પુરાવો આવ્યો હતો. જેથી, એ.સી.પી. પી.એચ. ભેસાણીયાની સૂચના મુજબ, પી.આઇ. એ.એન. પ્રજાપતિએ એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમાર (રહે. ડ્રીમ આઇકોનિયા, ઇવા મોલ પાસે, માંજલપુર) સામે ગુનો દાખલ કર્યો હતો.
એન્જિનિયર મિટિંગમાં હોઇ જે તે સમયે છટકામાંથી બચી ગયા હતા
વડોદરા,લાંચ માંગનાર એન્જિનિયર કૌશિક પરમારને ઝડપી પાડવા માટે એ.સી.બી. દ્વારા સરકારી પંચોની હાજરીમાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.સી.બી.નો સ્ટાફ રેડ કરવા માટે ઓફિસે ગયો હતો. પરંતુ, એન્જિનિયર તે સમયે મિટિંગમાં હોઇ રૃપિયા લેવા નહીં આવતા છટકું નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ એન્જિનિયરને ગંધ આવી જતા તેણે કોન્ટ્રાક્ટર પાસે રૃપિયાની માંગણી કરી નહતી. પરંતુ, અગાઉ કરેલી વાતચીતને રેકોર્ડિંગે તેને નિવૃત્તિના ૭ વર્ષ અગાઉ ફસાવી દીધો છે.
એન્જિનિયરનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવાશે
વડોદરા,એન્જિનિયર કૌશિક પરમારનું છટકું નિષ્ફળ ગયું હતું. પરંતુ, ઓડિયો વીડિયો રેકોર્ડિંગ હોઇ એસીબી દ્વારા પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલુ હતી. પોલીસે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેનો ચુકાદો આવ્યા પછી એન્જિનિયરનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવવામાં આવશે.