સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન
૪૦ વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ મેમોગ્રાફી કરાવવી જરૃરી છે

વડોદરા,બ્રેસ્ટ કન્સર અવેરનેસ મહિના દરમિયાન સયાજી હોસ્પિટલમાં ડાક્ટરોએ ઓગમેન્ટેડ રિયાલિટી (એ.આર.) ટેકનોલોજી અને મેટા વી.આર. હેડસેટની મદદથી સ્તન કન્સરનું ઓપરેશન કર્યુ હતું. શહેરમાં આ પ્રકારનું ઓપરેશન પ્રથમ વખત થયું છે.
૪૯ વર્ષની એક મહિલાને સ્તન કેન્સર ડિટેક્ટ થતા કિમોથેરાપિ અને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.સારવાર પછી ગાંઠ ઘણી નાની હોઇ ઓપરેશન કરવું અઘરૃં હતું.
ઓપરેશન વધુ સારી રીતે કરવા માટે સર્જન ટીમે મેટા વી.આર. હેડસેટ વડે દર્દીનો સિટિ સ્કેન અને એમ.આર.આઇ.ના રિપોર્ટના આધારે છાતીનો ૩ ડી મોડેલ તૈયાર કર્યો હતો. જેના દ્વારા કન્સરની ગાંઠમાં પહેલાં મૂકાયેલ નાનું મેટલ ક્લિપ રિયલ ટાઈમ માં દેખાયું હતું. માત્ર બે સે.મી.નો ચીરો મૂકી ગાંઠને દૂર કરવામાં આવી હતી. ઓપરેશન પછી પાંચ દિવસમાં જ દર્દી સાજા થતા રજા આપી દેવામાં આવી હતી.દરેક મહિલાએ ૪૦ વર્ષ પછી દર વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવી ખૂબ જ જરૃરી છે, જેથી કન્સર વહેલા તબક્કે નિદાન થઈ શકે, તેવું સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે.