અમદાવાદ: શાહીબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પૂજા કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
- સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
અમદાવાદ, તા. 20 જુલાઈ 2020 સોમવાર
શહેરમાં એક તરફ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો તેને રોકવા માટે સરકાર અને મહાનગર પાલિકા સતત પ્રયત્નશિલ છે.
કોરોનાને રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાનું તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઘણા લોકો હજુ આ વાતને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. તો આજે શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે તમામ નિયમોને નેવે મુકતા દ્રશ્યો જોવા મળ્યા છે. આજે સોમવતી અમાસ છે. આ દિવસે દિવાસાની પૂજા કરવામાં આવે છે.
ત્યારે અમદાવાદમાં શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે લોકો પૂજા કરવા માટે ભેગા થયા છે. પરંતુ અહીં લોકોમાં કોરોના વાયરસનો ડર જોવા મળી રહ્યો નથી. એક સાથે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા માટે ભેગા થયા છે. તો અનેક લોકોએ માસ્ક પણ પહેર્યા નથી.
લોકો આજુબાજુમાં પૂજા કરી રહ્યાં છે. તો ઘણા લોકો નદીમાં પણ ન્હાવા માટે ઉતરી પડ્યા છે. અહીં કોઈ પોલીસ બંદોબસ્તમાં પણ જોવા મળી રહી નથી. એક તરફ શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે આ ખુબ ગંભીર બાબત છે.
અમદાવાદમાં કોરોના વાયરસના 24 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતના 50 ટકા કેસ તો માત્ર અમદાવાદ જિલ્લામાં છે. સૌથી વધુ મોત પણ અહીં નોંધાયા છે. ત્યારે આ કોરોનાના સંક્રમણને રોકવા લોકો પોતાની જવાબદારી સમજે તે ખુબ જરૂરી છે. અમુક લોકોની બેદરકારીને કારણે અનેક લોકોએ તેનું પરિણામ ભોગવવુ પડી શકે છે.