યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો
અન્ય બે ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓ જામીન મુક્ત થયા પછી ફરથી અટકાયત કરાઇ
વડોદરા,પાણીગેટમાં યુવક પર થાર જીપ ચઢાવીને તેને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગરને ગુનાવાળી જગ્યાએ લઇ જઇને પોલીસે બનાવનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. પાણીગેટ પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
રવિવારની મોડીરાતે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે મોપેડ લઇને ઉભેલા યુવક પર માથાભારે બૂટલેગર કુણાલ કહારે જીપ ચઢાવી દઇ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયેલા યુવક તરંગ કહાર પર કુણાલ કહારના ભાઇ સૂરજ ઉર્ફે ચૂઇ કહારે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જીપ ચઢાવી દેવાના કેસમાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કુણાલ કહારની ધરપકડ કરી હતી. આજે પોલીસ તેને ઘટના સ્થળે લઇ ગઇ હતી અને બનાવનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. આ ગુનાના પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા અકસ્માત થયેલી જીપ અને મોપેડની એફ.એસ.એલ. પાસે તપાસ કરાવડાવી છે. આ ઉપરાંત આ ઘટનામાં દાખલ થયેલા અન્ય બે ગુનામાં પકડાયેલા સૂરજ ઉર્ફે ચૂઇ કહાર, હરિશ કહાર અને તરંગની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા અને ત્યારબાદ તેઓની ફરીથી અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં ચાર્મિસ કહાર અને યશ કહારને હજી પકડવાના બાકી છે.