Get The App

બ્રાંચ મેનેજરે સ્પેરપાર્ટસ બારોબાર વેંચી રૂા. 54 લાખ ઓળવી લીધા

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાંચ મેનેજરે સ્પેરપાર્ટસ બારોબાર વેંચી રૂા. 54 લાખ ઓળવી લીધા 1 - image


નવાગામમાં સ્થિત ઈમ્પિરિયલ મોટર્સનાં  કંપનીના મુંબઈ સ્થિત અધિકારીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : રાજકોટ નજીકના નવાગામમાં આવેલ ઈમ્પિરીયલ મોટર્સ સ્ટોર્સની બ્રાંચ ઓફિસ કમ ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હેમલભાઈ શરદભાઈ પારેખ (રહે. શ્રી અજીત એપાર્ટમેન્ટ, રામકૃષ્ણનગર વેસ્ટ)એ બારોબાર સ્પેર પાર્ટર્સ વેચી રૂા. 54 લાખ ઓળવી ગયાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે. 

કંપનીની હેડ ઓફિસ મુંબઈમાં છે. જયાં એકાઉન્ટ એક્ઝિકયુટીવ વિભાગનાં લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતાં નિખીલભાઈ શાહ (ઉ.વ. 56)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપની ટાટા મોટર્સના પાર્ટસની ડિલરશીપ ધરાવે છે. આ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્પેર પાર્ટસની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ ધરાવે છે. કંપનીની નવાગામમાં આવેલી બ્રાંચ ઓફિસ કમ ગોડાઉનમાં મેનેજર તરીકે હેમલભાઈ છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવે છે. 

ચાલુ માસમાં કંપની દ્વારા સ્ટોક સર્ચ કરવામાં આવતા રૂા. 19.80 લાખના સ્પેર પાર્ટસ ઓછા જોવા મળ્યા હતા. જે બાબતે પૂછાતાં હેમલભાઈએ છેલ્લા દોઢ-બે વર્ષમાં વેંચી દિધાનું કહ્યું હતું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કંપનીના ગ્રાહક એવી 17 પાર્ટીના રૂા. 21.92 લાખના બીલો બનાવી તેમને હેમલભાઈએ માલ સપ્લાય કર્યો નથી. જે માલ તેણે બારોબાર વેંચી નાખ્યો છે. જેમાંથી અમુક પાર્ટીઓ તો હયાત પણ ન હતી. આમ છતાં તેમનાં નામના બીલો બનાવ્યા હતા.  આ બાબતે હેમલભાઈને પૂછતાં લેખિતમાં સ્વીકારી કંપનીને દોઢ-બે વર્ષમાં રકમ ચૂકવી દેશે તેમ કહી બે ચેક સિકયુરીટી પેટે આપ્યા હતા. આ રીતે હેમલભાઈએ રૂા. 41.72 લાખના સ્પેર પાર્ટસ બારોબાર વેંચી દીધા હતા. આ ઉપરાંત રૂા. 12.58 લાખનો માલ બીલ બનાવ્યા વગર ગ્રાહકોને આપી દીધો હતો.  તપાસમાં કુલ રૂા. 54 લાખના સ્પેર પાર્ટસ બારોબાર વેંચી કંપનીમાં રકમ જમા નહીં કરાવી, ગુનાઈત વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાનું ખુલતાં ફરિયાદ નોંધાવી હતી. 

Tags :