Get The App

ગુજરાતની હસ્તકળા હોલિવૂડ પહોંચી: બ્રેડ પિટે ટાંગલિયા વણાટનો શર્ટ પહેરતા દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
Brad Pitt Tangaliya Shirt


Brad Pitt Wears Gujarat's Tangaliya Shirt : 27 જૂને બ્રેડ પિટની ફિલ્મ F1 સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના એક દ્રશ્યમાં બ્રેડ પિટ ભારતીય ફેશન બ્રાન્ડ ‘11.11/eleven eleven’ નું કોટન શર્ટ પહેરેલો જોવા મળે છે, જેમાં પરંપરાગત ટાંગલિયા વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેડ પિટ માટે એ શર્ટની પસંદગી પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર જુલિયન ડે દ્વારા કરવામાં આવી હતી. એ શર્ટ પરનું અનોખું ટાંગલિયા વણાટ જોઈને દુનિયાભરના લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું છે અને ભારત સહિત બધે જ એની ચર્ચા ચાલી રહી છે. 

બ્રેડ પિટનો શર્ટ એકદમ ઓર્ગેનિક છે

ડિઝાઇનર્સ મિયા મોરિકાવા અને હિમાંશુ શાની દ્વારા સ્થાપિત 11.11/eleven eleven ફેશન બ્રાન્ડ એના ઓર્ગેનિક અભિગમ માટે જાણીતી છે. આ બ્રાન્ડ સ્વદેશી કપાસનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એવી રંગકામ પ્રક્રિયાઓ દ્વારા વસ્ત્રનિર્માણ કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલું શર્ટ હાથથી કાંતેલા, હાથથી વણાયેલા કપાસમાંથી બનાવવામાં આવ્યું છે અને તેમાં ટાંગલિયા વણાટ તકનીકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 100 % ફ્રુક્ટોઝનો ઉપયોગ કરીને, આથો લાવીને, આ શર્ટ કુદરતી ‘ગળી’ (ઈન્ડિગો)થી રંગવામાં આવ્યું છે. આઠ કુશળ કારીગરોની ટીમે 9.20 કલાકની જહેમત કરી ત્યારે આ શર્ટ તૈયાર થયું હતું.

જુલિયન ડે ભારતીય હસ્તકળાના વખાણ કરે છે

‘બોહેમિયન રેપ્સોડી’ અને ‘રોકેટમેન’ જેવી ફિલ્મોમાં ડિઝાઈનર રહી ચૂકેલા જુલિયન ડેએ એવો ખુલાસો કર્યો હતો કે, ‘11.11 બ્રાન્ડના શર્ટની પસંદગી ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી, કેમ કે ફિલ્મના કથાતત્વમાં એ ડિઝાઈન બરાબર ફિટ બેસતી હતી. નરમ ઈન્ડિગો ટોન ધરાવતું આ શર્ટ બ્રેડ પિટને પહેરાવવાનું મને ખૂબ જ સારું લાગ્યું. ભારતીય બ્રાન્ડ્સ હાલમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ કુદરતી કાપડ અને રંગોનો ઉપયોગ કરે છે અને હાથવણાટથી કપડાં બનાવે છે, તેથી એવું વસ્ત્ર વાતાવરણને અનુકૂળ બની જાય છે અને પહેરવામાં ખૂબ આરામદાયક લાગે છે.’

ટાંગલિયા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે

ટાંગલિયા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની વિશિષ્ટ હસ્તકલા છે, જે મણકા જેવી પેટર્નને લીધે અન્ય હસ્તકલાઓથી અલગ પડે છે. રંગીન દોરાઓને વાર્પ યાર્ન પર વાળીને કરવામાં આવતા આ વણાટકામની વિશેષતા એ છે કે તેની ડિઝાઈન કાપડની બંને બાજુ એકસમાન દેખાય છે. પરંપરાગત રીતે જોઈએ તો ટાંગલિયા વણાટમાં કુદરતનું પ્રતિનિધિત્વ કરતાં વૃક્ષો, પક્ષીઓ, તારા જેવા આકાર વધુ જોવા મળે છે. ઉપરાંત એમાં અનેક પ્રકારની ભૌમિતિક ભાત (પેટર્ન) પણ દેખા દે છે. 

આ પણ વાંચો : ગુજરાતના લવજીભાઈ પરમાર અને સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે, જાણો કયા ક્ષેત્રે આપ્યું યોગદાન

ટાંગલિયા હસ્તકલા એક પ્રેમકથાનો પરિપાક છે

700 વર્ષ જૂની ટાંગલિયા હસ્તકલાના મૂળિયાં સુરેન્દ્રનગર જિલ્લામાં છે. આ અદભુત હસ્તકળાની શરૂઆત બાબતે વાયકા એવી છે કે, આ વિસ્તારના ભરવાડ સમુદાયના એક યુવકને વણકર સમુદાયની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવા માંગતા હતા. પરંતુ, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી સમાજના ડરથી બંનેના પરિવાર તેમના લગ્નની વિરુદ્ધમાં હતા. છતાં પ્રેમીપંખીડાએ લગ્ન કરી લીધા હતા, જેને લીધે તેમને સમાજમાંથી તગેડી મુકવામાં આવ્યા હતા. જીવનનિર્વાહ માટે આ દંપતીએ વણાટકામનો ધંધો શરૂ કરેલો અને ટાંગલિયા કળાની શોધ કરેલી. આગળ જતાં તેમની પેઢી ‘ડાંગસિયા સમુદાય’ તરીકે જાણીતી બની.

ટાંગલિયા GI સંરક્ષિત હસ્તકલા છે

ડાંગસિયા શબ્દ ‘ડાંગ’ પરથી ઉતરી આવ્યો છે. ડાંગ એટલે લાકડી. ભરવાડ સમુદાયની મહિલાઓ મોટેભાગે સફેદ ટપકાંવાળો કાળા રંગનો ચણિયો પહેરતી હોય છે, જેને ‘ટાંગલિયો’ કહેવાય છે. ટાંગલિયો શબ્દ વળી ‘ટાંગ’ પરથી લેવામાં આવ્યો છે. ટાંગ એટલે પગની એડીથી ઘૂંટણ સુધીનો ભાગ. ડાંગસિયા સમુદાય દ્વારા બનાવવામાં આવતી હાથવણાટની આ શૈલીને ભારત સરકાર દ્વારા વર્ષ 2009 માં GI ટૅગ આપીને સંરક્ષિત કરવામાં આવી છે. 

ટાંગલિયાની વણાટ પ્રક્રિયા રસપ્રદ છે

પરંપરાગત ટાંગલિયા વણાટ કાંતેલાં ઊનથી જ કરવામાં આવતું, પણ હવે એના માટે કપાસ, રેશમ, એક્રેલિક, વિસ્કોસ પણ વપરાય છે. હાથવણાટની આ કળામાં મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ટાંગલિયા પિટ-લૂમ એટલે કે ખાડાવાળી સાળ પર તૈયાર કરવામાં આવે છે. ચોરસ ખાડો કરીને તેમાં કાપડ વણવાનું યંત્ર મૂકવામાં આવે તેને ખાડાવાળી સાળ કહેવાય છે. લાકડાંની ચોરસ ફ્રેમમાં તાંબાના સળિયામાં બૉબીન રાખવામાં આવે છે, જેમાં દોરા વીંટાય છે. પહેલા સાદું વણાટ કરીને કાપડ તૈયાર કરાય છે. વાણા (આડા તાર) પર નાનાં-નાનાં ટપકાં કરીને નવી ડિઝાઈન તૈયાર કરાય છે. દાણા બનાવવા માટે વણકર રંગીન દોરાનું ગૂંચળું ખોલીને તાંતણા અલગ કરે છે. પછી તે એક સાથે બે દોરા હાથમાં લઈને સૂતરના એક પછી એક તાર પર દોરાના છેડાને સિફતપૂર્વક પોતાના અંગૂઠા અને તર્જની દ્વારા ગોળ વણીને તોડી નાંખે છે. એમ કરતાં-કરતાં ઉપસેલા દાણા જેવી ડિઝાઈન બનતી જાય છે. તાણા-વાણા પર દોરો ગોળ વણાઈ જતો હોવાથી કાપડની બન્ને બાજુએ એની ભાત એકસરખી દેખાય છે.

ગુજરાતની હસ્તકળા હોલિવૂડ પહોંચી: બ્રેડ પિટે ટાંગલિયા વણાટનો શર્ટ પહેરતા દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું 2 - image

ટાંગલિયા કળાએ પદ્મશ્રી અપાવ્યો

એક સમયે ટાંગલિયા કળાનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું હતું. એ પછી આ પ્રાચીન કળાના પુનરુત્થાનનું બીડું ઝડપવામાં આવ્યું. વર્ષ 2007 માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ની મદદથી ગાંધીનગરમાં ‘ટાંગલિયા હસ્તકલા એસોસિએશન’ની રચના કરવામાં આવી. ત્યારબાદ NIFT એ કૌશલ્ય નિર્માણ, ગુણવત્તા નિયંત્રણ અને ડિઝાઇન વિકાસ માટે સમયાંતરે વર્કશોપનું આયોજન કરવાનું શરૂ કર્યું. ધીમેધીમે આ કળા ફરી બેઠી થઈ, અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની. ટાંગલિયા કળાને વિશ્વફલક પર પહોંચાડવામાં વઢવાણના લવજીભાઈ પરમારનો સિંહફાળો છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે, જે બદલ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા, વસ્તડી, દેરવાડા વગેરે ગામો ટાંગલિયા હસ્તકલાનાં મુખ્ય કેન્દ્રો છે. સાડી, દુપટ્ટા, શર્ટ, કુર્તા, ડ્રેસ મટિરિયલ, બેડશીટ અને ઓશિકા કવર જેવા ઉત્પાદનો પર આ કળાનો ઉપયોગ થાય છે. 


Tags :