બીપીએલ ટી- 20 ચેમ્પિયન એલેમ્બિક વોરિયર્સ દ્વારા જીતની ભવ્ય ઉજવણી
મીની રોડ શો અને કેક કટીંગ સાથે વિજયોત્સવ મનાવ્યો
કોટંબી સ્થિત બીસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બરોડા પ્રીમિયર લીગમાં એલેમ્બિક વોરિયર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમે કેક કાપી મીની રોડ શો યોજી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ખેલાડીઓને રૂ.11 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા પહેલીવાર ટી- 20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 5 ટીમો વચ્ચે હરીફાઈ યોજાતા ફાઇનલમાં એલેમ્બિક વોરિયર્સએ જીત મેળવી બરોડા પ્રીમિયર લીગની ટ્રોફી હાંસિલ કરી હતી. દરમ્યાન આજે એલેમ્બિક કોલોની ખાતે એલેમ્બિક વોરિયર્સ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખેલાડીઓ તથા સ્ટાફના સભ્યોએ કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરાવી ઢોલ નગારાના તાલે મીની રોડ શો યોજી ઉજવણી કરી હતી. ખેલાડીઓને રૂ.11 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એલેમ્બિકના કેપ્ટન નિનાદનું કહેવું હતું કે, તમામ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, આ જીત અમારી ટીમની એકતાની જીત છે, ગ્રાઉન્ડ ઉપર દરરોજ નવી ચેલેન્જનો સામનો કરવો પડતો હતો, ખેલાડીઓને એકબીજાની સ્ટ્રેન્થ અને વિકનેસની જાણ હતી, વરસાદ હોવા છતાં વિકેટ ઇફેક્ટિવ ન થતા સ્કોર સારા થયા છે.જ્યારે કોચ રાકેશ પટેલનું કહેવું હતું કે, વરસાદના વિધ્ન વચ્ચે પણ ટીમનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. આગામી વર્ષે વધુ સારુ આયોજન થઈ શકશે તેવી આશા છે. એલેમ્બિક મેનેજમેન્ટ પ્રિન્સ સિંગનું કહેવું હતું કે, તમામ 5 ટીમોની ખૂબ સારી સફર રહી, આગામી વર્ષે બીસીએ 5 ટીમોના યોગદાનથી ટુર્નામેન્ટ યોજશે. મેદાનમાં ખેલાડીઓને જોશ માટે દર્શકોની જરૂર રહે છે, જેથી આગામી વર્ષે વધુ દર્શકો આવે તેવી વિનંતી છે.