Gujarat

એલેમ્બિક વોરિયર્સએ અમી સુપર એવેન્જર્સને 4 વિકેટએ હરાવી બરોડા પ્રીમિયર લીગની ટ્રોફી હાંસિલ કરી

By GS TEAM
29 Jun 20252 mins read
એલેમ્બિક વોરિયર્સએ અમી સુપર એવેન્જર્સને 4 વિકેટએ હરાવી બરોડા પ્રીમિયર લીગની ટ્રોફી હાંસિલ કરી



બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં એલેમ્બિક વોરિયર્સએ અમી સુપર એવેન્જર્સને હરાવી બરોડા પ્રીમિયર લીગની ટ્રોફી હાંસિલ કરી હતી. અમી સુપર એવેન્જર્સ 109 રનમાં સમેટાઈ જતા એલેમ્બિક વોરિયર્સએ 16.3 ઓવરમાં 110 રનનો લક્ષ્યાંક હાંસિલ કરી ઐતિહાસિક જીત મેળવી હતી.

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા પહેલીવાર ટી- 20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 5 ટીમો વચ્ચે હરીફાઈ યોજાતા ફાઇનલમાં એલેમ્બિક વોરિયર્સ અને અમી સુપર એવેન્જર્સ વચ્ચે  મુકાબલો થયો હતો. રવિવારે કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી. અમી સુપર એવેન્જર્સ પ્રથમ ઈનિંગમાં 19 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. અમી સુપર એવેન્જર્સના સુકીર્ત પાંડેયએ 23 બોલમાં 20 રન અને પવન પટેલે 15 બોલમાં 21 રન ફટકાર્યા હતા. જ્યારે એલેમ્બિક વોરિયર્સના લક્ષિત તોસીયાએ 2 ઓવરમાં 9 રન આપી 3 વિકેટ તથા દીપ પટેલે 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં એલેમ્બિક વોરિયર્સના ઓપનરે તરખાટ મચાવ્યો હતો. અનંત ભરવાડે 26 બોલમાં 4 ચોક્કા અને 2 છગ્ગા સાથે 44 રન  તથા ધ્રુવ પટેલે 24 બોલમાં 4 ચોક્કા સાથે 26 રન ફટકારી 68 રનની ભાગીદારી સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ત્યારબાદ એક પછી એક વિકેટો પડતા શ્લોક દેસાઈએ 20 બોલમાં 20 રન બનાવી રાહત આપી હતી. એલેમ્બિક વોરિયર્સએ 16.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 110 રન બનાવી અમી સુપર એવેન્જર્સને હરાવી જીત મેળવી હતી. અમી સુપર એવેન્જર્સના ચિંતલ ગાંધીએ 3.3 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ તથા સારંગ ભટ્ટે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. એલેમ્બિક વોરિયર્સ અને અમી સુપર એવેન્જર્સ વચ્ચે યોજાયેલ આ ફાઇનલ મેચમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને ગુજરાતી અભિનેતા મનહર ઠાકર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા.