પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરના આદિત્ય હાઈટ્સના રહીશોની વ્યથા

વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરની આદિત્ય હાઈટ્સ સોસાયટીમાં છ વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ઉકેલ ન આવતા રહીશો રોષે ભરાયા હતા અને તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો.
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર વોર્ડ નં. 16માં આવેલ આદિત્ય હાઈટ્સમાં અંદાજે 400 પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો વર્ષ 2018થી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં રહીશો અનેકવાર કોર્પોરેશનના અધિકારીઓ તથા નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છે. રહીશો દ્વારા સમસ્યાનો સર્વે કરી રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, છતાં અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તંત્ર તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવતા રહીશો ભારે નારાજ થયા છે. આજે રોષે ભરાયેલા રહીશો એકત્ર થઈ તંત્ર સામે વિરોધ નોંધાવતા આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ વરસે ત્યારે માર્ગ ઉપર કમર સુધીનું પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વડીલો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિસ્તારના માર્ગમાં વીજ ટ્રાન્સફોર્મર હોવાને કારણે દુર્ઘટનાનો ભય પણ સતત સતાવે છે. રહીશોનું માનવું છે કે, જો હાઇવેના કાંસ ખોલવામાં આવે તો પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે છે. આ અંગે અપક્ષ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, જનતાને વેરાનું વળતર આપવાની કોર્પોરેશનની ફરજ છે. છતાં આ મુદ્દે અધિકારીઓ તથા નેતાઓ ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે અને રહીશો રાજકારણનો ભોગ બની રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિતેલા બજેટમાં આ કામ મંજૂર થયા હોવા છતાં હજુ સુધી કામની શરૂઆત કરવામાં આવી નથી. જ્યારે કેટલાક નેતાઓ પોતાના પ્રભાવથી કામો એડવાન્સ કરાવી બજેટમાં રજૂ કરાવે છે.