સુરત પાલિકાની મંજુરી વિના ઘમઘમતા બોક્સ ક્રિકેટ નોટિસ બાદ પણ બંધ ન થતા સીલ કરાયા
Surat Box Cricket : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાની મંજુરી વિના ત્રણ બોક્સ ક્રિકેટ ચાલી રહ્યાં હતા જેને બંધ કરવા પાલિકાએ નોટિસ આપી હતી. તેમ છતાં પ્રવૃત્તિ ચાલુ રહેતા પાલિકાએ ત્રણેય બોક્સ ક્રિકેટને સીલ કરી દેવામા આવ્યા છે.
થોડા સમય પહેલાં એક બોક્સ ક્રિકેટમાં અકસ્માત થયો હતો ત્યાર બાદ પાલિકાએ બોક્સ ક્રિકેટ સામે ઝુંબેશ ચાલુ કરી હતી. તેમાં પણ પાલિકાની મંજુરી વિના ધમધમતા બોક્સ ક્રિકેટ સામે આક્રમક કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં (1)ટી.પી.સ્કીમ નં.32(અડાજણ)4 ફા.પ્લોટ નં.274, ઉબુન્ટુ ક્રિકેટ એકેડમી, અડાજણ સુરત (2)ટી.પી.સ્કીમ નં.23(રાંદેર),ફા.પ્લોટ નં.59 અને 60, દીસ્સોતો ટર્ફ બોક્ષ ક્રિકેટ (3)ટી.પી.સ્કીમ નં.29(રાંદેર),ફા.પ્લોટ નં.01 પૈકી,આર.આઇ.જીબોક્ષ ક્રિકેટ ચાલતા હતા. પાલિકાની મંજુરી વિના આ પ્રવૃત્તિ ચાલતી હોય મંજૂરી વિના સ્થળ પર લોખંડની એંગલો ઉભા કરી, ટેમ્પરરી સ્ટ્રકચર, શેડ પ્રકારના બાંધકામ કરી દેવામા આવ્યા હતા.
આ પ્રવૃત્તિ પાલિકાની મંજુરી વિના ચાલતી હોય પાલિકાએ નોટિસ આપી હતી તેમ છતાં બોક્સ ક્રિકેટ પ્રવૃત્તિ ચાલતી હતી જે ઉપયોગ કરનારા માટે જોખમી બની શકે તેમ હોય રાંદેર ઝોન દ્વારા બોક્સ ક્રિકેટને સીલ કરી દેવામા આવ્યા છે.