દારૃના ધંધા થકી મળેલા રૃપિયાથી અમદાવાદ અને જામનગરમાં દુકાનો લીધી
૩૧ મી સુધીના રિમાન્ડ : અલ્પુ સિન્ધી સાથે લક્ઝુરિયસ કારમાં ફરતો હતો
વડોદરા,શહેરમાં દારૃની હેરાફેરી કરતી ટોળકીના ૮ આરોપીઓ સામે ગુજસટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગુજસીટોકના ગુનામાં પોલીસે અગાઉ એક આરોપી પપ્પુ ડાવરની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. એ.સી.પી.જી.ડી. પલસાણાએ આ ગુનામાં સામેલ વધુ એક આરોપી રવિ બિમનદાસ દેવજાની (રહે. દાજી નગર, વારસિયા) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે છેલ્લા ૧૧ વર્ષમાં ૨૨ ગુનાઓ દાખલ થયા છે. સરકાર તરફે વકીલ રઘુવીર પંડયાએ પણ રજૂઆત કરી હતી કે, આ ટોળકીમાં અન્ય કેટલા આરોપીઓ સામેલ છે ? તેની તપાસ કરવાની છે. આરોપીઓના સંબંધીઓ અને મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ - અલગ ગામો અલીરાજપુર, બાંસવાડા, ડુંગરપુર ખાતે રહે છે. તે ગુનો કરીને ઉપરોક્ત સ્થળો ઉપરાંત નાસિક બોર્ડરના ગામોમાં સંતાતો હોઇ તેને મદદ કરનારને શોધવાના છે. આરોપીએ ગુનાઇત પ્રવૃત્તિથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે ખાંડ બજાર, જામનગર રેલવે સ્ટેશન પાસે કાપડની દુકાનમાં નાણાંનુ રોકાણ કર્યુ છે. લક્ઝુરિયસ કારમાં રવિ અને અલ્પુ સિન્ધી અવર - જવર કરતા હોઇ તે અંગે પણ તપાસ કરવાની છે.
ફરિયાદમાં જણાવેલા ઉપરાંત અન્ય ગુનાઓની વિગત પણ આરોપી પાસે છે. તેની હકીકત મેળવવાની છે. દારૃની હેરાફેરી માટે ટોળકીને દારૃ સપ્લાય કરનારની શોધખોળ કરવાની છે. દારૃના ધંધા માટે આર્થિક મદદ કરનારને પકડવાનો છે.
મોબાઇલ ફોનમાં કોડથી નામ અને નંબર સેવ કર્યા હતા
વડોદરા,આરોપીના મોબાઇલમાં કોડથી નામ અને નંબર લખેલા છે. તે કોણ છે ? તેની તપાસ કરવાની છે.આરોપી પાસેથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ કબજે કરવાના છે. ઇન્ટરનેશનલ કોન્ટેક્ટ નંબરો ખરેખર કયા હેતુસર ઉપયોગમાં લેવાતા હતા. તેની તપાસ કરવાની છે. આરોપીના નંબરો મેળવી સી.ડી.આર. મંગાવી તપાસ કરવાની છે. આરોપી સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવાછતાંય તેણે ગુનાઇત પ્રવૃત્તિ બંધ કરી નથી.
ત્રીજો આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા,ગુજસીટોકના ગુનામાં પોલીસે પહેલા જ દિવસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ ેપૈકી પપ્પુ ડાવર અને રવિ દેવજાની હાલમાં રિમાન્ડ પર છે. જ્યારે ત્રીજો આરોપી યશ ચાવલા બીમાર છે. તેને ટાઇફોઇડ થયો હોઇ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે ભાગી ના જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો છે.