Get The App

મોરબીમાં સશસ્ત્ર જૂથ અથડામણમાં બોટલ-પથ્થરના ઘા, 6 લોકો ઘાયલ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
મોરબીમાં સશસ્ત્ર જૂથ અથડામણમાં બોટલ-પથ્થરના ઘા, 6 લોકો ઘાયલ 1 - image


લાતીપ્લોટના જોન્સનગર વસ્તારમાં ભારે અફરા-તફરી જૂની માથાકૂટનાં સમાધાન બાદ ફરી બોલાચાલી થતાં તલવાર અને છરી જેવા હથિયારોથી એકબીજા પર ઘાતકી હુમલો કર્યો

મોરબી, : મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી. જૂની માથાકૂટનું સમાધાન થયા બાદ તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી જતા બંને પક્ષે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. બોટલ અને પથ્થરના ઘા કરી હુમલા કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

મોરબીના લાતીપ્લોટ શેરી નં. 10, જોન્સનગરમાં રહેતા મુસ્તાક કાસમ સંધવાણીએ આરોપીઓ મહમદ કાસમ થઈમ, મહેબુબ કાસમ થઈમ, કાસમ ખમીશા થઈમ અને જલાબેન કાસમ થઈમ (રહે. બધા મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પાંચેક માસ પૂર્વે આરોપી મહમદ થઈમએ ફરિયાદીની બહેનની છેડતી કરી હતી. જે અંગે માથાકૂટ થઇ હતી અને ઘરમેળે સમાધાન થયું હતું. જેનો ખાર રાખી આરોપીઓએ ઘર પાસે આવી પિતા કાસમભાઈ સંધવાણીને મારી નાખવાના ઈરાદે માથામાં તલવારના ઘા મારી ગંભીર ઈજા કરી હતી તેમજ મહેબુબ કાસમે ફરિયાદીના ભાઈ અસ્લમને છરીના ઘા મારી ઈજા કરી તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદી મુસ્તાકને અને મુસ્તાકના મમ્મી ફાતમાબેનને શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

સામાપક્ષે ફરિયાદી મહમદ કાસમ થૈયમે આરોપીઓ મુસ્તાક કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી અને કાસમ સંધવાણી (રહે. જોન્સનગર, મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ચારેક વર્ષ પૂર્વે ફરિયાદી મહમદને આરોપી કાસમની દીકરી જેનમ સાથે પ્રેમસંબંધ હતો. જેનો ખાર રાખી ગત રાત્રીના આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીનો ભાઈ મહેબુબ આવી જતા મારી નાખવાના ઈરાદે છરીના ઘા મારી ગંભીર ઈજા કરી છૂટી કાચની બોટલો અને પથ્થરોના ઘા કરી ભાઈને ડાબા ખભાના ભાગે ઈજા કરી હતી. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે.

Tags :