Gujarat

પ્લેન ક્રેશમાં ભોગ બનેલા વાઘોડિયારોડ ના જૈન દંપતીને બંને પુત્રીએ ભારે હૈયે અગ્નિદાહ દીધો

By GS TEAM
17 Jun 20251 min read
પ્લેન ક્રેશમાં ભોગ બનેલા વાઘોડિયારોડ ના જૈન દંપતીને બંને પુત્રીએ ભારે હૈયે અગ્નિદાહ દીધો

વડોદરાઃ અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બનેલા વડોદરાના જૈન દંપતીના મૃતદેહનો ડીએનએ મેચ થતાં આજે બંનેને સાથે અગ્નદાહ દેવાયો હતો.

વાઘોડિયારોડની નારાયણ સ્કૂલ રોડ પર વિમલનાથ રેસિડેન્સીમાં નિવૃત્ત જીવન ગાળતા ઇન્દ્રવદનભાઇ દોશી અને તેમના પત્ની જ્યોતિબેન દોશી ની બંને પુત્રીના લગ્ન થઇ ગયા છે.જે પૈકી હેતલબેન અકોલામાં રહે છે અને પૂનમબેન લંડનમાં સ્થાયી થયેલા છે.

બંને પુત્રીઓ તેમને દીકરાની ખોટ પુરી કરતી હતી.એક દીકરીએ તેમને લંડન ફરવા માટે  બોલાવ્યા તો બીજી દીકરી વડોદરા રહેવા આવી અને શોપિંગ કરી બંનેને બેગો તૈયાર કરી આપી આગલે દિવસે અકોલા રવાના થઇ હતી.

પ્લેન ક્રેશ થતાં બંને પુત્રીઓ પરિવાર સાથે દોડી આવી હતી અને અમદાવાદમાં સગાં સાથે રોકાઇ હતી.તેમના ડીએનએ લેવામાં આવ્યા હતા.જે પૈકી ઇન્દ્રવદન ભાઇનો ડીએનએ બે દિવસ પહેલાં મેચ થયો હતો.પરંતુ બંનેના સાથે અંતિમ સંસ્કાર કરવાના હોવાથી  પરિવારજનો રોકાઇ રહ્યા હતા.આખરે આજે સવારે જ્યોતિબેનનો પણ ડીએનએ મેચ થતાં મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.બંનેની અર્થી એક સાથે ઉઠી ત્યારે માહોલ ગમગીન બન્યો હતો.બંને પુત્રીએ ભારે હૈયે કાંધ આપી અગ્નિદાહ દીધો ત્યારે હાજર લોકોની પણ આંખો ભરાઇ આવી હતી.