જિલ્લામાં કોરોનાના બન્ને દર્દી રીકવર, એકપણ નવો કેસ નહીં
- કોરોનાની રિ-એન્ટ્રી સાથે શહેર-જિલ્લામાં બે કેસ નોંધાયા હતા
- શહેર-જિલ્લાનો આરોગ્ય વિભાગ સારવાર માટેના આવશ્યક સ્ટોક સાથે સજ્જ
પ્રાપ્ય વિગત અનુસાર ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા એક ૫૨ વર્ષિય આધેડને લક્ષણો જણાતા તેણે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા અને તેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયાં હોવાની મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિહોર પંથકના એક ૩૭ વર્ષિય સગર્ભા મહિલાને લક્ષણો જણાતા રિપોર્ટ કરાયો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાનમાં, બન્ને કોરોના પોઝિટિવ દર્દી રીકવર થયા છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીને ડિસ્ચાર્જ અપાયેલ છે. સદનસીબે શહેર-જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આમ છતાં, કોરોનાની સંભવિત સ્થિતિના પગલે શહેરની સર ટી.હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના વધારાના ૧૦ બેડ મુકવામાં આવ્યા છે અને કેસ વધશે તો આગામી દિવસોમાં આ સંખ્યા વધારવામાં પણ આવશે. તેમજ સારવાર માટેની તમામ વસ્તુનો પુરતો સ્ટોક અને વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમ સાધનોએ ઉમેર્યું હતું.