- વેર લેવા માટે આરોપીએ મામાના દીકરાને કારની ટક્કરે ઉડાવ્યો હતો
- આરોપીઓ અંતરિયાળ રસ્તાથી ભાગ્યા પરંતુ હોટલ પર ચા પીવા ઉભા રહેવાની એક ભૂલે જેલના સળિયા પાછળ ધકેલી દીધા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના જીવા ગામે પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવક યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલાની ૧૫ જાન્યુઆરીની વહેલી સવારે અજાણ્યાની ટક્કરે મોત નિપજ્યું હતું. બનાવમાં શરૂઆતમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, ઘટનાના સંજોગો જોતા પોલીસને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન હળવદની સરા ચોકડી પાસે એક નંબર પ્લેટ વગરની બોલેરો કાર શંકાસ્પદ જણાઈ હતી.
હોટલના સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સોની ઓળખ કરતા તે મૃતકના ફૈબાનો દીકરો ભાઈ દિવ્યરાજસિંહ ખોડુભા જાડેજા હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં અકસ્માતના બનાવના દિવસે તે જીવા ગામે આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે દિવ્યરાજસિંહ અને તેની સાથે બોલેરો ગાડીમાં રહેલા મયુર ઘનશ્યામભાઈ દુધરેજીયાને ઝડપી પાડી પૂછપરછમાં આરોપી દિવ્યરાજસિંહ અને તેના મિત્ર મયુર દુધરેજીયાએ હત્યાની કબૂલાત કરી હતી.
વહેલી સવારે મામાનો દીકરો યુવરાજ દોડની પ્રેક્ટીસ માટે નીકળ્યો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારની ટક્કર મારી યુવરાજસિંહને મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા. પોલીસથી બચવા માટે આરોપીઓએ ગ્રામ્ય રસ્તાઓ પસંદ કર્યા હતા, પરંતુ હળવદ હોટલ પર ચા પીવા ઉભા રહેતા ત્યાં સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. તેમની એક ભૂલે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોતાના ભાઇના આપઘાત માટે મૃતકને જવાબદાર માની હત્યા કરી
દિવ્યરાજસિંહના માતાના નિધન બાદ મામા સુખદેવસિંહ ઝાલાએ પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. કોન્ટ્રાક્ટમાં ગાડીઓ ભાડે અપાવા માટે ધંધો કરાવી પગભર કર્યો હતો. જ્યાં મૃતક યુવરાજસિંહ અને તેના પિતા તેને કામ બાબતે તેમજ પરીક્ષાની તૈયારી બાબતે ઠપકો આપતા હતા. ઉપરાંત, થોડા સમય પહેલા દિવ્યરાજના મોટાભાઈએ આત્મહત્યા કરી હતી, જેમાં તેને શંકા હતી કે યુવરાજસિંહે જ તેને ઉશ્કેર્યોે હતો. આ વેરનો બદલો લેવા દિવ્યરાજે અકસ્માતનો ડોળ રચી યુવરાજસિંહને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો.


