બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
Accident on Paliyad-Sakardi Road: બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે (29 સપ્ટેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસમાં આશરે 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના ધાર્મિક પ્રવાસ સ્થળની મુલાકાત લઈને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.
ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસી ગઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સાકરડી રોડ પર થયો હતો. રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ પૂરઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં આ ગમખ્વાર બનાવ બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.