- 4 વર્ષમાં 20 થી વધુ દવાખાના બની ગયા
- છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ના હોવાથી સામાન્ય કામ માટે અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત
આણંદ : બોરસદ શહેરમાં ૩૦થી વધુ મોટી ઈમારતો અને ૨૦થી વધુ મોટા દવાખાના મળીને અંદાજે ૬૦થી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં જૂના અને નવા રેકોર્ડની કોઈ માહિતી ના હોવાનું જાણવા મળ્યું છે.
બોરસદ પાલિકા ૧૮૬૯માં અસ્તિત્વમાં આવી હતી. બોરસદમાં વર્ષ-૨૦૦૦માં મોટી બિલ્ડિંગો બનવાની શરૂઆત થયા બાદ હાલ ૩૦થી વધુ બહુમાળી ઈમારતો બંધાઈ ગઈ છે. બોરસદ શહેરના સૂર્યમંદિર રોડ ઉપર છેલ્લા ચાર વર્ષમાં ૨૦થી વધારે અધ્યતન દવાખાના બની ગયા છે. રાજ્ય સરકારે હાઈરાઈઝ બિલ્ડિંગો માટે બીયુ પરમિશન લેવી ફરજિયાત કરી દીધી છે. પરમિશન વગરની ઈમારતને માન્યતા પણ મળતી નથી.
બોરસદ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં શહેરમાં કેટલી ઈમારતોને બીયુ પરમિશન આપવામાં આવી તે સંદર્ભે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. છેલ્લા ૨૦ વર્ષનો રેકોર્ડ પણ ના હોવાનું ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સામાન્ય કામોમાં પણ ધક્કા ખવડાવવામાં આવતા નગરજનોમાં આક્રોશ ફેલાયો છે. બોરસદ શહેરમાં વિકાસની સાથે બીયુ પરમિશન સંબંધિત ગોટાળાના આક્ષેપો ઉઠયા છે.
વિગતો ઉપલબ્ધ નથી, જૂના રેકોર્ડ શોધવા પડે તેમ છે : ટાઉન પ્લાનિંગ ઈજનેર
આ મામલે બોરસદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એન્જિનિયર નમ્રતાબેન પરમારે જણાવ્યું હતું કે, હાલ વિગતો ઉપલબ્ધ નથી, જૂના રેકોર્ડ પણ શોધવા પડે તેમ છે.


