Gujarat

બોરસદની અલારસા દૂધ મંડળીની સભા તોફાની બની સભાસદોના ભારે વિરોધથી ચેરમેને સભા છોડવી પડી

By GS TEAM
1 Jul 20252 mins read
બોરસદની અલારસા દૂધ મંડળીની સભા તોફાની બની સભાસદોના ભારે વિરોધથી ચેરમેને સભા છોડવી પડી

- નિયમો વિરૂદ્ધ નવું મકાન બાંધવા 20 લાખ ફાળવી દેવા મુદ્દે વિવાદ

- 200 થી વધુ સભાસદો ઉમટયા : શરૂઆતમાં જ બંને જૂથો વચ્ચે તુંતું-મેમે થતા ગામમાં ઉશ્કેરાટ : મારામારી થાય તેવી સ્થિતિ સર્જાતા મંડળીના સભ્યોએ પણ ચાલતી પકડી

આણંદ : બોરસદના અલારસા દૂધ મંડળીએ સભાસદોની મંજૂરી વગર નવું મકાન બનાવવા રૂા. ૨૦ લાખની ફાળવણી કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ અંગે વિરોધ કરી ૨૦૦થી વધુ સભાસદોએ મંડળીમાં નિયમો વિરૂદ્ધ થતી કામગીરી સામે કાયદાકીય તપાસ માટે આણંદ જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. ત્યારે આ સંદર્ભે આજે યોજાયેલી સાધારણ સભામાં શરૂઆતથી જ ઉગ્ર વિરોધ થતા સભા મુલતવી રાખી ચેરમેન અને વ્યવસ્થાપક મંડળના સભ્યો સભાખંડ છોડીને જતા રહ્યા હતા.

બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળી દ્વારા નવું મકાન બનાવવાની કામગીરી ચાલુ થઈ છે. આ બાબતે સામાન્ય સભામાં કોઈપણ જાતનો ઠરાવ કરાયો નથી. જે જગ્યાએ મકાનનું કામ શરૂ છે તે જગ્યા પંચાયતની છે કે કોની તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા કર્યા વગર કામ શરૂ કરી દેવાયું છે. જગ્યાની સ્થળ તપાસ કરતા માત્ર દીવાલનું કામ શરૂ થયું છે, મકાનનું કામ શરૂ કરવામાં આવ્યું નથી છતાં મંડળીમાંથી મકાનના કામ માટે રૂા. ૨૦ લાખની કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવાઈ છે.  મંડળીમાં વહીવટકર્તાઓ દ્વારા મનસ્વી રીતે દૂધ મંડળીના નાણાંનો દૂરઉપયોગ કરાતા સભાસદોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. 

મંડળીનું હાલનું મકાન મજબૂત અને સુરક્ષિત હોવા છતાં વ્યવસ્થાપક સમિતિને વિશ્વાસમાં લીધા વગર, સભાસદોની મંજૂરી કે જાણ વિરૂદ્ધ રૂા. ૨૦ લાખ ફાળવી ભ્રષ્ટાચાર કરી સભાસદોના દૂધનો નફો ઓછો આપવાનો હેતુ જણાઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે સત્વરે તપાસ કરવાની માંગણી સાથેની રજૂઆત અલારસા દૂધ મંડળીના ૨૦૦થી વધુ સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં કરી હતી.

આમ સંદર્ભ અલારસા દૂધ મંડળીના ચેરમેન અશોક મહિડાએ સોમવારે બપોરે બે વાગ્યે સાધારણ સભા યોજી હતી. પરંતુ સભાની શરૂઆત થતાં જ સભાસદો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો હતો. સભામાં બંને જૂથો વચ્ચે ભારે બોલાચાલી શરૂ થઈ જતા એક તબક્કે તુંતું મેમે થતા સભામાં મારામારી થાય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. જેથી ચેરમેન તથા વ્યવસ્થાપક મંડળના સભ્યો સાધારણ સભા છોડીને જતા રહ્યા હતા.

અલારસા દૂધ મંડળી પાસે મોટી સંખ્યામાં સભાસદો ઉમટી પડયા હતા. બે જૂથો સર્જાઈ જતા મારામારી થાય તેવી સ્થિતિ સર્જાતા ગામમાં ઉશ્કેરાટનો માહોલ છવાયો હતો.