Get The App

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી 1 - image

Bopal Robbery Case: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલમાં એક બંગલામાંથી ₹40 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરીના કેસનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં કામવાળી સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટના રોજ વહેલી સવારે 3 વાગ્યે બોપલ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચિદાનંદ બંગલામાં આ ચોરી થઈ હતી. આરોપીઓની એક ટુકડી બંગલામાં ઘૂસીને 370 ગ્રામ સોનાના દાગીના, એક મોતીનો સેટ, 300 ગ્રામ ચાંદીના ઘરેણાં અને ₹5 લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹40 લાખ આંકવામાં આવી છે.

પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું કે સાત વ્યક્તિઓએ સ્કૂટર અને સીએનજી રિક્ષાનો ઉપયોગ કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો.

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી 2 - image

આ તમામ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને અમદાવાદમાં YMCA ક્લબ સરખેજ નજીક કામચલાઉ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. આરોપીઓની ઓળખ ધનપાલ કાંતિલાલ મીણા, હરીશ મનોજ નાનોમા, ઉમેશ નાગજી પરમાર, ભાગુ ભરત મીણા, હરીશ જગદીશ કલાસુવા, ધનરાજ કેશુ કલાસુવા અને ક્રિષ્ના (ધનપાલ મીણાની દીકરી) તરીકે થઈ છે. 

પોલીસે જણાવ્યું કે ક્રિષ્ના જે આ બંગલામાં ઘરકામ કરતી હતી. તેણે પરિવાર બહારગામ ગયો હોવાની અને બંગલામાં કિંમતી દાગીના હોવાની ગેંગને માહિતી પુરી પાડી હોવાથી આ ગેંગ ચોરીને અંજામ આપવામાં સફળ રહી હતી. 

બાતમીના આધારે પીએસઆઈ પી.જી. બારૈયા અને ટેકનિકલ ઓફિસર વિજય પટેલના નેતૃત્વમાં બોપલ ડી-સ્ટાફની ટીમે ધનપાલ મીણાને તેના વતન રાજસ્થાનના ગામમાંથી 19 ઓગસ્ટના રોજ શોધી કાઢીને તેની ધરપકડ કર હતી. પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ્યો અને તેના અન્ય સાગરીતોના નામ પણ જણાવ્યા જેના પગલે બાકીના આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.  પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ તેમના ઘરે કામ કરતા નોકર-ચાકરોની નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ઓનલાઈન સિટિઝન પોર્ટલ પર નોંધણી કરાવે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'આવી નોંધણી સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. જેમાં અંદરના લોકો ગુનેગારોને બાતમી આપે.' તમામ સાત આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે, અને વધુ તપાસ હાથ ધરીને ચોરી થયેલા તમામ મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે.